સે-૨૯માં યુવાન અને તેના પરિવારના સભ્યોએ પૂર્વ પ્રેમિકાને માર માર્યો
મારી પત્ની તારા કારણે જતી રહી છે તેમ કહી
કારમાં બળજબરીપૂર્વક બેસાડીને લાજ લેવાનો પણ પ્રયાસ કર્યો : પોલીસે પાંચ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૯માં આવેલી સરકારી વસાહતમાં યુવતીને પૂર્વ પ્રેમી દ્વારા કારમાં બળજબરીથી બેસાડીને તેના પરિવારજનો દ્વારા મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભ સેક્ટર ૨૧ પોલીસ યુવાન અને તેના પરિવારના સભ્યો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૯માં આવેલી સરકારી વસાહતમાં રહેતી યુવતીને અગાઉ આ વસાહતમાં રહેતા
યુવાન સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સંબંધ રહ્યા નથી ત્યારે
ગઈકાલે રાતના સમયે આ યુવતી વસાહત નીચે ઉભી હતી તે દરમિયાન તેનો પૂર્વ પ્રેમી અને
તેના પિતા કાર લઈને આવ્યા હતા અને આ યુવતીને બળજબરીથી કારમાં બેસાડીને વસાહતની
અંદર લઈ ગયા હતા. જ્યાં યુવાને તેણીને માર મારી કહ્યું હતું કે, તારા કારણે મારી
પત્ની જતી રહી છે અને ત્યારબાદ આ યુવાનની માતા, બહેન,
ભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને યુવતીને માર માર્યો હતો. યુવાન દ્વારા યુવતીની
લાજ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને જેના પગલે આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન તેની માતા અને કાકા પણ તે આવી પહોંચ્યા હતા જ્યાં યુવતીને ઇજાઓ થઈ હોવાથી સારવાર કરાવ્યા બાદ સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે યુવાન અને તેના પરિવાર સામે ગુનો દાખલ કરીને ધરપકડ માટે મથામણ શરૃ કરી છે.