સેક્ટર-૩માં કાચા પાકા ૬૦થી વધારે દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
ગાંધીનગરમાં સરકારી કરોડો રૃપિયાની જમીન ઉપર દબાણો વચ્ચે
વસાહતીઓની ફરિયાદ બાદ દબાણ તંત્ર, કોર્પોરેશન, વન વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારની કરોડો રૃપિયાની જમીન ઉપર દબાણ થઈ ગયા છે ત્યારે સેક્ટર ૩માં વસાહતો આસપાસ ઝુપડપટ્ટીના દબાણ અને ગેરકાયદેસર શેડ ઊભા થઈ ગયા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી અને જેના પગલે ગાંધીનગરના તમામ તંત્રોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોલીસને સાથે રાખી છેલ્લા બે દિવસથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૃ કરી છે. જેમાં અત્યાર સુધીમાં કાચા પાકા ૬૦ થી વધુ દબાણ હટાવી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર શહેરમાં હાલ એક ચોરસ મીટર જમીનનો ભાવ સવા લાખ ઉપર
પહોંચી ગયો છે ત્યારે શહેરમાં સરકાર હસ્તકની અબજો રૃપિયાની જમીનો ખુલ્લી પડી છે
અને તેમાં દબાણકારો દ્વારા કાચા પાકા દબાણો કરી દેવામાં આવતા હોય છે. જોકે
વસાહતોમાં આ પ્રકારના દબાણ ઊભા થઈ જવાને કારણે વસાહતમાં સુરક્ષા અને ગંદકીનો
પ્રશ્ન ઊભો થતો હોય છે. મોટાભાગે સેક્ટરમાં આ પ્રકારની સ્થિતિ છે પરંતુ શહેરના
સેક્ટર ૩માં રહેતા વસાહતીઓ દ્વારા સેક્ટરમાં વધી રહેલા દબાણની ફરિયાદ કલેકટર તંત્ર
અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધી કરી હતી. જેના પગલે આ સેક્ટરમાં દબાણના મામલાને
ગંભીરતાથી લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સેક્ટર-૩માં કલેકટરના દબાણતંત્ર, કોર્પોરેશનની
એસ્ટેટ શાખા, વન વિભાગ
અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કાચા પાકા દબાણો હટાવવાનું શરૃ કરવામાં
આવ્યું છે. જેમાં વર્ષોથી ઊભા થઈ ગયેલા પાકા ઝુંપડાઓને પણ દૂર કરવામાં આવ્યા હતા.
શોપિંગ સેન્ટરની આસપાસ વધેલા દબાણ અને ખુલ્લા પ્લોટમાં પાકગના મોટા શેડ પણ દૂર
કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ૬૦થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને હજી પણ આ
ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે. તો સેક્ટરની ફરતે મુખ્ય માર્ગો ઉપર ઉભા થઈ ગયેલા
લારી ગલ્લાના દબાણ પણ દૂર કરવામાં આવ્યા હતા.
તબક્કાવાર આ તંત્રો દ્વારા તમામ સેક્ટરોમાં આ પ્રકારની ઝુંબેશ શરૃ કરવામાં
આવે તો શહેર દબાણથી મુક્ત થઈ શકે છે.