સેક્ટર-21માં વર્ષો જૂના ચાર લીલાછમ વૃક્ષોનું છેદન કરાયું
વિકાસની આડમાં વૃક્ષોનો સફાયો
લીમડો,
જાંબુડો અને સીરસ જેવા નડતરરૃપ ન હોવા છતાં તંત્રની કાતર ફરી વળી
ગાંધીનગર: શહેરના સેક્ટર-૨૧માં ચાર જેટલા વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. આ વૃક્ષો આશરે ૪૦ થી ૫૦ વર્ષ જૂના હતા. આ વૃક્ષો માર્ગ પર નડતરરૃપ ન હોવા છતાં પણ તંત્ર દ્વારા તેને કાપી નાખવામા આવ્યા છે. ત્યારે આ રીતે આડેધડ કરાતા વૃક્ષોના સફાયા અંગે પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ ફેલાયો છે.
ગાંધીનગર શહેરની આગવી ઓળખ એવી હરિયાળી માત્ર ચોપડા પૂરતી જ
રહી ગઈ છે અને પાટનગરે પોતાની ગ્રીનસિટીની ઓળખ પણ ગુમાવી દીધી છે. ગાંધીનગરમાં જે
પ્રકારે વૃક્ષો કપાઈ રહ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે પાટનગર સંપૂર્ણ રીતે
ઉજ્જડ બનવા જઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં વિવિધ વિકાસની કામગીરી
અંતર્ગત હજારો વૃક્ષોનો સફાયો કરવામાં આવ્યો છે. ક્યારેક પાણીની પાઈપલાઈન નાખવાની
હોય, તો
ક્યારેક રસ્તા પહોળા કરવાના હોય તો ક્યારેક મેટ્રોની કામગીરી અંતર્ગત હજારો
વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવે છે. ત્યારે સેક્ટર-૨૧માં ચાર જેટલા લીલાછમ વૃક્ષોનું છેદન કરાયું છે.
જેમાં બે લીમડા હતા. એક જાંબુડો અને સીરસ હતું. આ બધા વૃક્ષોનું એક સાથે છેદન
કરવામાં આવ્યું છે. આ ચારેય વૃક્ષો કોઈ પણ પ્રકારે નડતરરૃપ ન હતા. તેમ છતાં તેનું
છેદન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં વિકાસની આંધળી દોટમાં હજુ કેટલા વૃક્ષોનો
ભોગ લેવાશે તે તો સમય જ બતાવશે. પણ એક સમયે જ્યાં વૃક્ષોનું હરિયાળીથી ગાંધીનગર
શોભતું હતું. ત્યારે આજે તે એકદમ વેરાન થઈ ગયું છે. પાટનગરમાં મોટા પાયે ચાલી
રહેલી વૃક્ષ છેદનની પ્રવૃતિ સામે પર્યાવરણ પ્રેમીઓમાં પણ રોષ વ્યાપ્યો છે.