સયાજીમાં પોલીસને ચકમો આપી બૂટલેગર ફરાર થઇ જતા દોડધામ
ભાગીને કેદી અમદાવાદ તેના ઘરે જતો રહ્યો હતો, પોલીસના હાથે ઝડપાઇ ગયો
વડોદરા,સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલો પાસા અટકાયતી બૂટલેગર જાપ્તાના પોલીસ જવાનોને ચકમો આપીને મોડી રાતે દોઢ વાગ્યે ફરાર થઇ ગયો હતો. રાવપુરા પોલીસે આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસે તેના ઘરે તપાસ કરતા મળી આવ્યો હતો.
એલ.આર.ડી અમિત અગ્રાવતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વડોદરા સેન્ટ્રલ જેલના પાસા અટકાયતી કિરણ દિનેશભાઇ પારૈયા ( મૂળ રહે. અમદાવાદ) ની તબિયત બગડતા ગત તા. ૩ જી એ તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જેથી, તેના જાપ્તામાં પોલીસ જવાનોની ડયૂટિ ફાળવવામાં આવી હતી. ગઇકાલે એલ.આર.ડી. દર્શન ચીનુભાઇ તથા વિપુલ રામજીભાઇની ડયૂટિ પૂરી થતા હું તથા પ્રકાશભાઇ સરદારભાઇ હઠીલા ફરજ પર હાજર થયા હતા.રાતે કેદીને બોટલ ચઢાવ્યો હતો. રાતે ૧૧ વાગ્યે તેને શૌયાલય જવું હોવાથી હું તેને હાથ પકડીને શૌચાલય સુધી લઇ ગયો હતો. રાતે સવા વાગ્યે પણ તેને હું ફરીથી શૌચાલય લઇ ગયો અને ત્યાબાદ બેડ પર લાવી સુવડાવ્યો હતો. પંદર મિનિટ પછી વોર્ડમાં સફાઇ કામ ચાલતું હોવાથી અમે થોડે દૂર ટેબલ પાસે ઉભા હતા. વોર્ડમાં સફાઇ કર્મચારીઓ અને દર્દીઓની અવર - જવર ચાલુ હતી. રાતે દોઢ વાગ્યે અમે દર્દીના બેડ પાસે ગયા ત્યારે તે મળી આવ્યો નહતો. જેથી, અમે શૌચાલય, વોર્ડ તથા સયાજી હોસ્પિટલમાં આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવ્યો નહતો. જેથી, આ અંગે પ્રતાપ નગર હેડ ક્વાટર્સ ખાતે ફોન કરીને જાણ કરી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કવિતાબેન બ્રહ્મભટ્ટે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે આ અંગે કેદીના ઘર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા સ્થાનિક પોલીસે તેના ઘરે તપાસ કરતા તે મળી આવ્યો હતો. જેને અમદાવાદથી વડોદરા લાવવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
વોર્ડમાં ફિટ કરેલા સીસીટીવી પણ કામ ના લાગ્યા
વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, આરોપી સામે પ્રોહિબીશનના કેસ હોવાથી તેને બૂટલેગર તરીકે પાસામાં મોકલવામાં આવ્યો હતો. તેને હાર્ટની બીમારી હોવાથી વડોદરા સેન્ટ્રલ જેલથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસને ચકમો આપીને તે ફરાર થઇ ગયો છે. વોર્ડમાં ફિટ કરેલા સીસીટીવીનું કવરેજ દર્દીના બેડ સુધી આવતંુ નહીં હોવાથી તે પણ કામ લાગ્યા નહતા