સાવલી તાલુકામાં બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં સામેલ આરોપીઓ ભૂગર્ભમાં

બોગસ મરણ દાખલાના આધારે પેઢીનામું બનાવ્યું હતું : ચાર જમીનના દસ્તાવેજો મળતા જ નથી, ઓનલાઇન પણ દેખાતા નથી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
સાવલી તાલુકામાં   બોગસ ખેડૂત બનાવવાના કૌભાંડમાં સામેલ  આરોપીઓ ભૂગર્ભમાં 1 - image

સાવલી તાલુકાના સામંતપુરા અને મુવાલ ગામની ખેતીની જમીનમાં મૂળ માલિકોના બોગસ મરણ દાખલાના આધારે બોગસ પેઢીનામા તૈયાર કરી ખેતીની જમીનમાં નામો દાખલ કરી ખેડૂત બનાવવાના કૌભાંડમાં સામેલ  ભેજાબાજો પોલીસ ફરિયાદ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.

બોગસ ખેડૂતના કૌભાંડ અંગે સામંતપુરા ગામમાં રહેતા રંજનબેન વિઠ્ઠલભાઇ સોલંકીએ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી વડીલોપાર્જિત જમીન ગોઠડા(સામંતપુરા) ગામની સીમમાં આવેલી છે.તેમાં મારા પતિનો બોગસ મરણ દાખલો રજૂ કરી   તેમાં વારસદાર તરીકે મંજુલાબેન વિઠ્ઠલબાઇ સોલંકી, મુસ્કાન  અશોક દોહલાની  તેમજ રેખા વિઠ્ઠલભાઇના નામો દાખલ થયેલા હતાં. 

તેવી જ રીતે  અમારા ગામમાં રહેતા વિક્રમ દેસાઇભાઇ સોલંકીની વડીલોપાર્જિત સામંતપુરા ગામની સીમની જમીનમાં પણ બોગસ મરણ દાખલો રજૂ કરી મોહીની અરજણદાસ દોદરાણીને ખેડૂત બનવા માટે ખોટું નામ ઉમેરાયું હતું. સામંતપુરા ગામમાં જ રહેતા અન્ય ખાતેદાર રમેશભાઇ ચતુરભાઇ પરમારની વડીલોપાર્જિત જમીનમાં પણ બોગસ મરણ દાખલો રજૂ કરી ખેડૂત બનવા માટે મેલાભાઇ ચતુરભાઇ પરમાર, મમતાબેન અનિલકુમાર તુલસીયાની અને મંજુલાબેન ચતુરભાઇના બોગસ નામો વારસાઇ હક્કમાં દાખલ કરાયા  હતાં.

ગોઠડા ગામની સીમમાં શારદાબેન પ્રભાતભાઇ સોલંકીની વડીલોપાર્જિત જમીનની પણ બોગસ વારસાઇ બનાવી તેમાં બીના પ્રભાતભાઇ સોલંકીની પુત્રીનું નામ ઉમેર્યું હતું. જ્યારે અમારા ગામના સોમાભાઇ રયજીભાઇ પરમારની વડીલોપાર્જિત જમીનમાં પણ બોગસ મરણ દાખલાના આધારે વારસાઇની એન્ટ્રી કરી તેમાં ખેડૂત તરીકે વિદ્યાબેન રયજીભાઇની પુત્રીનું નામ રેવન્યૂ રેકર્ડમાં ચડાવી દેવાયું હતું.

આ ઉપરાંત ચારણપુરા ગામના અરવિંદ મણીભાઇ સોલંકીની મુવાલ ગામની વડીલોપાર્જિત જમીનમાં બકુલાબેન પુજાભાઇ સોલંકીનું નામ બોગસ મરણદાખલાના આધારે દાખલ થયું  હતું.

 ગુનો દાખલ થયા પછી પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૃ કરવામાં આવી છે. પરંતુ, આશ્ચર્ચની વાત એ છે કે, ચાર જમીનના દસ્તાવેજો મળતા જ નથી. તેનો રેકર્ડ ઓનલાઇન  પણ દેખાતો નથી. પોલીસે તે દસ્વાવેજો મેળવવાના  પ્રયાસો હાથ ધર્યા છે.


બોગસ ખેડૂત કૌભાંડમાં 

પોલીસે ખોટી રીતે સરકારી અધિકારીઓના નામ આરોપી તરીકે દર્શાવ્યા છે

વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

 વડોદરા,સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બોગસ ખેડૂત અંગેની ફરિયાદમાં સરકારી અધિકારીઓના નામ ખોટી રીતે આરોપી તરીકે દર્શાવ્યા હોઇ તેઓના નામ  કમી કરવા માટે જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરને એક આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું છે કે,  સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાંથી આરોપી તરીકે તલાટી હિરલ ચૌધરી તથા નાયબ મામલતદાર  રાજેન્દ્રસિંહ વાંસદિયાના નામો કમી કરવા જોઇએ. સરકારના મહેસૂલ વિભાગના તથા ગૃહ વિભાગના પરિપત્રોથી આપેલી સૂચના મુજબ મહેસૂલી અધિકારી તથા કર્મચારીએ બજાવેલી ફરજના ભાગરૃપે હક્ક પત્રકમાં દાખલ થતા ફેરફારો અંગેની નોંધ પ્રમાણિત કરવાના કારણે તેઓની સામે બારોબાર ફોજદારી ફરિયાદ કરવાની રહેતી નહીં હોવા બાબતે સૂચના આપવામાં આવી હતી. સોગંદનામુ રજૂ કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી.આ પ્રકારના કિસ્સામાં યોગ્ય પ્રાથમિક તપાસ કર્યા પછી જ જો સ્પષ્ટ રીતે કોઇ મહેસૂલી કર્મચારીઓની સંડોવણી જણાય ત્યારે તેમજ સી.આર.પી.સી. ૧૯૭ મુજબની કાર્યવાહી  હાથ ધર્યા પછી  સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તે માટે જરૃરી સૂચનાઓ અમલમાં હોવાછતાંય દાખલ કરેલી ફરિયાદમાં સમરી રિપોર્ટ ફાઇલ કરવા  તેમજ બંને અધિકારીઓના નામ કમી કરવા રજૂઆત કરી છે.


Google NewsGoogle News