સે-૮માં સોલારના વેપારીનો રિવોલ્વરથી લમણે ગોળી મારી લઇને આપઘાત
પુત્ર અને પુત્રી વિદેશમાં ગયા બાદ ડિપ્રેશનમાં રહેતા હતાં
પાંચ દિવસ અગાઉ દિકરો કેનેડાથી આવ્યો હતો : ઘરે હિચકામાં બેઠા બેઠા પગલું ભરી લીધું : પોલીસની તપાસ
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
ગાંધીનગરના સેકટર - ૮ પ્લોટ નંબર - ૬૬૨/૧ માં રહેતા અનિલભાઈ હીરાલાલ ગેહલોતનાં
પરિવારમાં પત્ની કલ્પનાબેન અને એક દિકરો - દીકરી છે. દીકરો કેનેડા તેમજ દીકરી
અમેરિકા ખાતે રહે છે. જ્યારે અનિલભાઈ અને તેમના પત્ની કલ્પનાબેન ઘરે એકલા જ રહે
છે. અનિલભાઈ અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે લક્ષ્મી ઈલેક્ટ્રીકસ નામે વેપાર કરે છે
તેમજ સોલાર એનર્જીનાં બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે.
છેલ્લા ચાર પાંચ દિવસથી તેમનો દીકરો ઉત્સવ કેનેડાથી
ગાંધીનગર આવ્યો હતો. ગઈકાલે રાતનાં સમયે અનિલભાઈ તેમના પત્ની અને દીકરો ઘરે હાજર
હતા. ત્યારબાદ ઉત્સવ તેના કાકાને મળવા માટે ઘરેથી નિકળ્યો હતો. તે વખતે કલ્પનાબેન
ઘરની બહાર નિકળ્યા હતા. આ દરમિયાન હિચકા ઉપર બેઠેલા અનિલભાઈએ ભેદી સંજોગોમાં
પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી હતી.અચાનક ફાયરીંગનો અવાજ
આવતા જ કલ્પનાબેન સહીતના આસપાસ આ લોકો દોડી આવ્યા હતા અને અનિલભાઈને તાત્કાલિક
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાંથી તેમને પરિવારજનો અમદાવાદની ખાનગી
હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે અનિલભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા
અકસ્માત મોત દાખલ કરવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું
કે, પુત્ર
અને પુત્રી વિદેશમાં ગયા બાદ અનિલભાઈ ડિપ્રેશનમાં રહેતા હતા અને તેના કારણે આ
પગલું ભર્યું હોઈ શકે.