પાદરામાં લઘુમતી કોમના રીક્ષા ડ્રાઇવરે આક્ષેપના આધારે બે હિન્દુ યુવતીઓને જેલમાં ધકેલી દીધી

હિન્દુત્વનો ઝંડો લઇને ફરતા લોકપ્રતિનિધિઓ ચૂપ , લઘુમતી વિસ્તારમાં એકમાત્ર હિન્દુનું ઘર ખાલી કરાવવાની કોઇએ સોપારી લીધી છે ?

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
પાદરામાં લઘુમતી કોમના રીક્ષા ડ્રાઇવરે આક્ષેપના આધારે બે હિન્દુ યુવતીઓને જેલમાં ધકેલી દીધી 1 - image


વડોદરા : ગુજરાત જ નહી કદાચ આઝાદ ભારતના ઇતીહાસમાં પ્રથમ કહી શકાય તેવી ઘટના વડોદરા જિલ્લાના પાદરામાં બની છે. પાદરાના લઘુમતી વિસ્તારમાં ૫૦૦ ઘરોની વચ્ચે એકમાત્ર વૈષ્ણવ પરિવારનું ઘર આવેલુ છે. આ ઘરમાં માતા-પિતાના મૃત્યુ બાદ બે અનાથ યુવાન દીકરીઓ રહે છે. તેમાથી દીકરી તો અપંગ છે. લઘુમતી કોમના એક રીક્ષા ડ્રાઇવરે બન્ને બહેનો ઉપર ઝઘડો કરવાનો આક્ષેપ કર્યો. આ કેસમાં પોલીસે તપાસ કર્યા વગર જ ચેપ્ટર કેસ કર્યો અને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી દીધી. મેજિસ્ટ્રેટે બન્ને બહેનોને જેલમાં ધકેલી દેવા આદેશ કરી દીધો.

આ કેસ ધ્યાનમાં આવ્યા બાદ વડોદરાના એક વકીલે તુરંત આ મામલે કાર્યવાહી શરૃ કરી છે. તેઓ શનિવારે મોડી સાંજે તેઓ હાઇકોર્ટ પહોંચ્યા છે અને તુરંત આ કેસ ધ્યાન ઉપર લઇને બન્ને નિર્દોષ યુવતિઓને તુરંત જેલ મુક્ત કરવા માટે ગુજારીશ કરી છે. વકીલ સાથે વાત કરતા તેઓએ આખો કેસ શું છે તે અંગે વાત કરી હતી કે પાદરામાં મામલતદાર (એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ) કચેરીની બાજુમાં આવેલા ચકલા વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો રહે છે. આ આખા વિસ્તારમાં હવે માત્ર એક સનાતન હિન્દુ પરિવારનું ઘર આવેલુ છે. આ ઘર સાત પેઢીથી અહી છે જેમાં માત્ર બે બહેનો હર્ષાબેન એમ.શાહ (ઉ.૩૫) અને ગીતાબેન એમ. શાહ (ઉ.૩૦) રહે છે. બન્ને બહેનોના માતા પિતાનું અવસાન થઇ ચુક્યુ છે. ભાઇ-ભાભી અલગ રહે છે. બે બહેનોમાંથી નાની બહેન ગીતા દિવ્યાંગ છે. ગત ૨૨ સપ્ટેમ્બરે હનીફ હુસેનભાઇ મલીક(ઉ.૪૮) નામના રીક્ષા ડ્રાઇવરે ફરિયાદ આપી કે હર્ષા અને ગીતાના ઘર પાસે ઉભો હતો ત્યારે બન્ને બહેનોએ મને 'તુ ગુંડો છે... એમ કહીને મારી સાથે ઝઘડો કર્યો. પાદરા પોલીસને આ કેસમાં એવો તે શું રસ પડયો કે રોકેટ ગતિએ કામગીરી હાથ ધરી. 

ઘટનાને બીજા દિવસે સવારે જ બન્ને બહેનોને પોલીસ સ્ટેશન ઉપર બોલાવી અને કોઇપણ પ્રકારની તપાસ વગર રીક્ષા ડ્રાઇવરના આક્ષેપો આધારે બન્ને બહેનો સામે ચેપ્ટર કેસ કરીને આરોપી તરીકે એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી. વકીલનું કહેવું છે કે હિન્દુત્વનો ઝંડો લઇને ફરવા લોકપ્રતિનિધિઓ આ કેસમાં ચુપ છે .લઘુમતિ વિસ્તારમાં એકમાત્ર હિન્દુનું ઘર ખાલી કરાવવાની કોઇએ શું સોપારી લીધી છે ? 

તુરંત જામીન મળી જાય તેવા ચેપ્ટર કેસમાં બન્ને બહેનોએ ૧૪ દિવસ જેલમાં રહેવું પડે તેવી સ્થિતિ

બન્ને બહેનોના વકીલનું કહેવું છે કે પાદરા પોલીસે બન્ને બહેનોને તપાસ વગર જ આરોપી તરીકે રજૂ કરી અને એક્જિક્યૂટિવ મેજિસ્ટ્રેટે ઓર્ડર કરીને જેલમાં મોકલી આપી. આગલી સુનાવણી ૮ ઓક્ટોબરે રાખી છે એટલે બન્ને બહેનોએ ૧૪ દિવસ સુધી જેલમાં રહેવુ પડશે.ચેપ્ટર કેસમાં તો તુરંત જામીન મળી જવા જોઇએ. શાંતિ સુલેહ ભંગ કરવાનો ગુનો છે. આ કેસમાં પોલીસે બન્ને બહેનોની તો વાત જ નથી સાંભળી. એક તરફી કાર્યવાહી કરવામાં આવી છે.

લઘુમતીઓ રહે છે તે ચકલા વિસ્તારમાં એકમાત્ર હિન્દુ વૈષ્ણવ બહેનોનું ઘર આવેલુ છે

બન્ને બહેનો પાદરાના ચકલા વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો રહે છે અને તેમાં એકમાત્ર હિન્દુનુ ઘર એટલે કે આ વૈષ્ણવ બહેનોનું ઘર છે. તેનો પરિવાર પેઢીઓથી અહી રહે છે. બન્ને બહેનો અનાથ છે એટલે તેનું સાંભળનાર કોઇ નથી. ન્યાય માટે અમે આજે હાઇકોર્ટમાં જઇશું.

Google NewsGoogle News