નિઝામપુરામાં છેલ્લા ૩ માસથી રોડ પર ભરાયેલા ગટરનાં પાણી
અંતિમવિધિ માટે મૃતદેહો લઇને ગટરનાં પાણી વચ્ચેથી નીકળવું પડે તેવી સ્થિતિ
વડોદરા,વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં જૈન દેરાસરથી નવાયાર્ડ રોડ પર વિશ્રાંતિ પાર્ક અને સ્મશાનગૃહ મુક્તિધામની પાસે છેલ્લા ત્રણ મહિનાથી સતત ગટર ઊભરાતા લોકો માટે નર્કાગારની સ્થિતિ સર્જાઇ છે.
સ્મશાનગૃહમાં મૃતદેહોને અંતિમવિધિ માટે લઇ જતા લોકોને ગટરનાં પાણી વચ્ચેથી પસાર થવું પડે એવી સ્થિતિ સર્જાઇ છે. વોર્ડ ૧ ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ કોર્પોરેશનમાં આ અંગે જાણ કરવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી. રોડ પર લાઇન નાખવાની હોઇ રોડ પ્રોજેકટ, ડ્રેનેજ પ્રોજેકટ અને વોર્ડના ઇજનેરો એકબીજાને ખો આપી રહ્યા છે. રોડ બનતા પૂર્વે ડ્રેનેજની કામગીરી કેમ પૂર્ણ કરવામાં આવી નહીં તેવો સવાલ તેમણે ઊઠાવ્યો છે. લોકો ફલેટમાંથી બહાર નીકળવાનું ટાળે છે. ગટરના પાણી રોડનું લેવલ ઊંચુ થઇ જતાં સરળતાથી જતું નથી અને પાણી ભરાયેલું રહે છે.
પાણી ઇલેકટ્રિક ટ્રાન્સફોર્મર જ્યાં મૂક્યું છે તે તરફ ભરાઇ રહ્યું છે. જેના કારણે વધુ જોખમ ઊભું થયું છે. જો આ પ્રશ્ને જલ્દી નિવેડો ન આવે તો કોર્પોરેશન ખાતે જઇ ધરણા સાથે આંદોલનની ચીમકી અપાઇ છે.