નડિયાદમાં દાંડીરૂટની પાંચ શાળા પાસેના રોડ પર રબરના બમ્પ મૂકાશે
- આણંદ જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ હોવાથી
- ટ્રાફિકના ભારણ વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી માટે અગાઉ અનેક રજૂઆતો બાદ અંતે માર્ગ-મકાન રાષ્ટ્રીય વિભાગનો નિર્ણય
નડિયાદ : નડિયાદમાં આણંદ જિલ્લાને જોડતા દાંડીરૂટ ઉપર ભારે વાહનો સહિત ટ્રાફિકનું ભારણ વધુ છે. ત્યારે નડિયાદમાં દાંડીરૂટ પર આવતી પાંચ શાળાઓ બહાર રબરના બમ્પ મુકાશે. માર્ગ- મકાન રાષ્ટ્રીય હસ્તકના રોડ ઉપર વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે.
નડિયાદ શહેરમાં ડભાણ ચોકડીથી શરૂ થઈ મિશન રોડ, બસ સ્ટેન્ડ થઈ સંતરામ રોડ અને ત્યાંથી કોલેજ રોડ થઈ ઉતરસંડા અને આગળ નડિયાદ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી નીકળી અને આણંદ તરફ દાંડીમાર્ગ પસાર થાય છે. આ રોડ માર્ગ અને મકાન રાષ્ટ્રીય હસ્તક આવે છે. ઉપરાંત નડિયાદની ફરતે બિલોદરા ચોકડીથી રિંગ રોડ માર્ગ અને મકાન રાષ્ટ્રીય હસ્તક છે. ત્યારે આ લાંબા રૂટ ધરાવતા રોડમાં અંદાજે પાંચેક શાળાઓ આવેલી છે.
દાંડીરૂટ પર શાળાઓ અને શૈક્ષણિક સંકૂલો મળી કુલ ૪ મોટા શૈક્ષણિક એકમ આવેલા છે, જ્યારે નડિયાદ રીંગ રોડ પર બિલોદરાથી મરીડા ચોકડી તરફ જતા રોડ પર પણ એક શાળા આવેલી છે. આ તમામ શૈક્ષણિક સંસ્થાઓ માર્ગ અને મકાન રાષ્ટ્રીય વિભાગના રોડને અડીને આવેલી છે.
ત્યારે મોટા રોડ ઉપર ટ્રાફિકનું ભારણ વધારે રહેતુ હોવાથી ઉપરાંત મોટા વાહનોની પણ અવર-જવર વધુ હોવાના કારણે શાળાના વિદ્યાર્થીઓ માટે અહીંયા જોખમની સ્થિતિ જણાતી હતી. આ અંગે રીંગ રોડ પર આવેલી આલ્ફા વિદ્યાલય દ્વારા અનેકવાર સબંધિત વિભાગોને બમ્પ બનાવવા માટે વિનંતી કરતા પત્ર લખ્યા હતા. ત્યારે હવે માર્ગ અને મકાન રાષ્ટ્રીય વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ પાસેના રોડ પર પીળા કલરના રબર બમ્પ લગાવવામાં આવનાર છે.