મહેમદાવાદમાં બાકી હપ્તો ભરવા બાબતે યુવકને ધમકી
ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ
અમદાવાદના શખ્સોએ પિકઅપ ટેમ્પો ખરીદી હપ્તો ના ભર્યો
નડિયાદ: મહેમદાવાદના યુવકે પોતાના બનેવીને સાથે રાખી પીકઅપ ડાલુ ટેમ્પો અમદાવાદના બે શખ્સોને વેચ્યું હતું. બાદમાં આ વાહન વેચાણ લઈ જનાર શખ્સો વાહનના હપ્તા ભરતા ન હતા. બાદમાં શખ્સોએ યુવકને અપશબ્દો બોલી હપ્તો નથી ભરવો કહીને ધમકી આપી હોવાની મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મહેમદાવાદના કેતનભાઈ નરેન્દ્રભાઈ ડાભીએ નડિયાદ ફાઈનાન્સની લોનથી પીકઅપ ડાલુ ટેમ્પો ખરીદ્યો હતો. બાદમાં તેમણે તેમના બનેવી વિનોદભાઈ ચૌહાણ (રહે. કાચ્છઈ) મારફતે તા.૩૧ જુલાઈ ૨૦૨૩ના રોજ આસિફ ઇસ્માઈલભાઈ શેખ (રહે. ફતેવાડી, અમદાવાદ) તથા ગુલામ રસુલ મયુદ્દીન શેખ (રહે. વેજલપુર, અમદાવાદ)ને નોટરી કરાર કરી પીકઅપ ટેમ્પો વેચાણ આપ્યો હતો.
આ વખતે ટેમ્પાના બાકીના ૪૯ હપ્તા ભરવાની જવાબદારી વાહન ખરીદનારની રહેશે તેવો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં વાહન લઈ જનાર શખ્સોએ એક પણ હપ્તો ન ભરતાં ફાઇનાન્સ કંપનીના માણસોએ કેતનભાઇના ઘરે આવી વાહનના હપ્તા ભરવા બાબતે વાત કરી હતી. જેથી તેમણે આસિફભાઇ અને ગુલામને વાહનના હપ્તા ભરવાનું જણાવતા બંને શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા અને અમે એક પણ હપ્તો ભરવાના નથી, તારાથી થાય તે કરી લેજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહેમદાવાદ પોલીસે શેખ આસિફ ઈસ્માઈલભાઈ શેખ, ગુલામ રસુલ મયુદ્દીન શેખ તથા વિનોદભાઈ ખોડાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.