માણેજા ગામે બાઇક સ્લિપ થઇ જતા પિતા - પુત્ર પટકાયા : પિતાનું મોત
જી.એસ.એફ.સી. પાસે ડિવાઇડર સાથે મોપેડ અથડાતા ચાલકને માથામાં ગંભીર ઇજા થતા મોત
વડોદરા,ડિવાઇડર પરથી કૂદીને આવેલો છોકરો બાઇક સાથે અથડાતા બાઇક સવાર પિતા - પુત્ર પડયા હતા. પિતાને માથામાં ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું હતું. જ્યારે અન્ય એક બનાવમાં જી.એસ.એફ.સી. પાસે મોપેડ સ્લિપ થતા ડિવાઇડર સાથે અથડાતા પ્રૌઢનું મોત થયું હતું.
માણેજા કિશન આઇકોન ટાવરમાં રહેતો ચંદ્રજીત બિશ્વજીતભાઇ મુખર્જી ગઇકાલે સવારે પોણા આઠ વાગ્યે પિતાને બાઇક પર બેસાડીને ઘરેથી ભારત સેવાશ્રમ સંઘ મંદિર ખાતે તથા કુરિયર કરવા માટે નીકળ્યો હતો. તેઓ માણેજા ભાથુજી મહારાજના મંદિર પાસેથી પસાર થતા હતા. તે સમયે ડિવાઇડર પરથી એક છોકરો દોડતો આવતા બાઇક સાથે અથડાયો હતો. ચંદ્રજીતે બાઇક કંટ્રોલ કરવાની કોશિશ કરી હતી. પરંતુ, બાઇક નીચે પડી ગઇ હતી. બાઇકની પાછળ બેઠેલા તેના પિતા બિશ્વજીતભાઇ રોડ પર પટકાયા હતા. તેઓને માથા તથા કોણીના ભાગે ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન સાંજે સવા છ વાગ્યે તેઓનું મોત થયું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે પુત્ર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, ગોરવા ગાયત્રી પેટ્રોલ પંપની પાછળ તક્ષ બંગલોમાં રહેતા અનિલભાઇ શંકરભાઇ પટેલ જી.એસ.એફ.સી.માં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ ઇલેક્ટ્રિક મોપેડ લઇને જી.એસ.એફ.સી.થી કરચિયા તરફ જતા હતા. તેમની આગળ મોપેડ પર પૂરઝડપે જતા યુવકનો સ્ટિયરિંગ પર કાબૂ નહીં રહેતા તે નીચે પટકાઇને ડિવાઇડર સાથે અથડાયો હતો. તેના માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. બનાવ અંગે છાણી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મુકેશભાઇએ તપાસ હાથ ધરતા મરનારનું નામ મોહિત મુકુંદભાઇ મોરે, ઉં.વ.૫૬ (રહે. શિયાબાગ, શ્રી રેસિડેન્સી) હોવાનું જાણવા મળ્યું હતું. મોહિતભાઇ નોકરી પર જતા હતા.તે દરમિયાન અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.