429 કરોડના ખર્ચે મહી નદી પર બનશે વિશાળ વિયર, ગુજરાતના બે તાલુકાના 49 ગામડાઓને થશે મોટો લાભ
Vadodara News | વડોદરાથી એક ગૂડ ન્યૂઝ સામે આવી છે. અહીં સાવલી તાલુકાના પોઈચા ગામ પાસે મહી નદી પર 429.76 કરોડના ખર્ચે વિશાળ વિયરનું નિર્માણ કરાશે. જેના કારણે સાવલી અને ઉમરેઠ તાલુકાના 49 ગામોને સિંચાઇનું પાણી મળશે.
મહી નદી પર વણાકબોરી વિયર અને સિંધરોટ વિયરની વચ્ચે પોઈચા કનોડા વિયર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિયરનું નિર્માણ થતાં સાવલી તાલુકાના 34 ગામોને તેમજ ઉમરેઠ તાલુકાના 15 ગામોને લાભ મળશે. સાવલી નગર તેમજ આજુબાજુના 40 જેટલા ગામોની આશરે 77 હજાર જેટલી વસતી માટે પીવાનું અને સિંચાઈનું પાણી ઉપ્લબ્ધ થશે. આ વિયરના ઉપરવાસમાં આશરે 15 કિલોમીટર સુધી પાણી ભરાઈ શકશે અને નદીની બન્ને બાજુ 4 કી.મી. થી વધુ પહોળાઇમાં ભૂગર્ભ જળનું સિંચન થઈ શકશે.
આ વિયરથી 49 જેટલાં ગામોના આશરે 490 થી પણ વધારે કુવાઓ રિચાર્જ થશે. જેના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવશેે.કૃષિની સાથે સાવલી ઔદ્યોગિક એકમોથી પણ ધમધમતું કેન્દ્ર છે. આ વિયર બનવાથી સાવલી અને તેની આસપાસના ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.આ ઉપરાંત, આ વિયર થકી 90 લાખ ચોરસમીટરમાં રચાનારા જળસરોવરને પરિણામે મત્સ્યઉદ્યોગ તથા પશુપાલનને પણ વેગ મળશે.