કમાટીબાગમાં જોય ટ્રેનથી ઇજાગ્રસ્ત મહિલાનો હાથ કાપવો પડયો

મદદ કરવા તો ઠીક તંત્રમાંથી કોઇ ખબર જોવા પણ આવ્યું નથી

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
કમાટીબાગમાં જોય ટ્રેનથી ઇજાગ્રસ્ત  મહિલાનો હાથ કાપવો પડયો 1 - image

વડોદરા,કમાટીબાગ જોય ટ્રેનની અડફેટે આવી ગયેલી વાડી મોટીવોરવાડની મહિલાને ગંભીર ઇજા થતા તેનો  હાથ કાપવો પડયો છે. આ દુર્ઘટનામાં જોય ટ્રેનના ડ્રાઇવરની ગંભીર  બેદરકારી હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. દુર્ઘટના પછી સરકારી તંત્રમાંથી કોઇ મદદ કરવા તો ઠીક ખબર પૂછવા પણ આવ્યું નથી.

વાડી મોટી વોરવાડમાં રહેતા ૪૨ વર્ષના સુમૈયાબેન મહંમદઇમ્તિયાઝ ખજૂરીવાલા રવિવારેે સાંજે પરિવાર સાથે  કમાટીબાગ ગયા હતા. જોય ટ્રેનના ટ્રેક નજીક આવેલા ગાર્ડનમાં બાળકો રમતા હોવાથી તેઓ ઉભા હતા. તે દરમિયાન જોય ટ્રેન અચાનક નજીક આવતા ડ્રાઇવરે હોર્ન મારતા તેઓ પાછળ ફર્યા હતા. અને ટ્રેનનો સેફ્ટિ ગાર્ડ સાથે તેઓ અથડાયા હતા.તે દરમિયાન તેમના બુરખાનો છેડો ટ્રેનના સેફ્ટી ગાર્ડમાં ભરાઇ જતા તેઓ ફંગોળાઇને નીચે  પડયા હતા. તેમનો હાથ ટ્રેનના  પાટા પર પડયો હતો. તેમછતાંય ટ્રેનના ડ્રાઇવરે બ્રેક મારી નહતી. અને ટ્રેનના એન્જિનના પૈંડા મહિલાના હાથ પર ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ ટ્રેનનો ડ્રાઇવર ટ્રેન છોડીને ભાગી ગયો હતો. આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને તેઓ મહિલાને સારવાર માટે સૌપ્રથમ ફતેગંજ અને ત્યારબાદ જેતલપુર રોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. મહિલાની હાલત અત્યંત ગંભીર હતી. તેમનો જીવ બચાવવા માટે હાથ કાપવો  પડયો હતો.

મહિલાના પતિના મિત્ર સિરાજભાઇએ જણાવ્યું હતું કે, અકસ્માત પછી તંત્રમાંથી કોઇ ખબર જોવા પણ આવ્યું નથી. મહિલાના પતિ નોકરી કરે છે. અને મહિલા પણ પરિવારને આર્થિક મદદ કરવા માટે ઘરેથી સિલાઇ કામ કરે છે. તેઓને  નાના બાળકો છે. પરિવારને મદદ કરવાની વાત તો બાજુ પર રહી પણ કોઇ ખબર કાઢવા પણ આવ્યું નથી. 



સેલ્ફી લેતા સમયે અકસ્માત થયાની વાત તદ્દન ખોટી 

અકસ્માત પછી ડ્રાઇવર ટ્રેન છોડીને ભાગી ગયો

વડોદરા,મહિલા સેલ્ફી લેતા અથડાઇ હોવાની વાત તદ્દન ખોટી હોવાનું સિરાજભાઇએ જણાવ્યું છે. તંત્ર દ્વારા પોતાનો બચાવ કરવા માટે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.

મહિલા  ટ્રેન સાથે અથડાવા છતાંય ટ્રેનનો ડ્રાઇવર ભાગી ગયો હતો. જોય ટ્રેનનો ટાઇમ સાંજના છ વાગ્યા સુધીનો જ છે. ત્યારે સાત વાગ્યા સુધી ટ્રેન ચાલુ રાખવામાં આવી હતી. ટ્રેનના ડ્રાઇવરની બેદરકારીના કારણે  આ દુર્ઘટના ઘટી છે. અમે કાનૂની કાર્યવાહી કરીશું


Google NewsGoogle News