કલોલમાં ફાયર એનઓસી વગરના સાત એકમોને નોટિસ ફટકારાઈ
એકમોને સીલ કરવાની કામગીરી ક્યારે કરાશે
પાલિકામાં ફાયર સેફટીની અપૂરતી સુવિધા,આંગળીના વેઢે ગણી શકાય તેટલા ફાયર એક્ટીગ્યુશર
કલોલ શહેરના મોટાભાગના કોમશયલ કોમ્પ્લેક્સ, શાળા-કોલેજો,રેસ્ટોરન્ટ,મોલ અને
હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી ત્યારે તંત્ર દ્વારા ફક્ત નોટિસ આપીને
સંતોષ માનવામાં આવી રહ્યો છે. અમુક સ્થળોએ આ એકમો જોખમી રીતે ચાલી રહ્યા હોવા છતાં
તેને સીલ કરવામાં આવતા નથી તેવી ફરિયાદ પણ ઉઠી છે. કલોલના શુકન કોમ્પ્લેક્સમાં
ખાણીપીણીના એકમો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હોવા છતાં બેરોકટોકપણે ધમધમી રહ્યા
છે. ત્રણ દિવસની સમયમર્યાદા પૂર્ણ થનાર છે
ત્યારે પાલિકા તંત્ર કામગીરી કરશે કે નહીં તે સવાલ ઉપસ્થિત થયો છે.
સમગ્ર કલોલમાં ફાયર
સેફટી અંગેની જેની સૌથી વધુ જવાબદારી છે તેવી નગરપાલિકામાં પણ ફાયર એક્ટીગ્યુશરની
નામમાત્રની સુવિધા છે.કલોલ નગરપાલિકામાં અગ્નિશામક સાધનો પૂરતા નથી. નગરપાલિકાના
વિશાળ મકાનમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ સંખ્યામાં ફાયરના બાટલા છે. સમગ્ર
કલોલને નિયમ બતાવતી નગરપાલિકા પાસે અપૂરતી સુવિધા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
અગ્નિશામક સાધનો વેચનારા વેપારીઓની બેફામ લૂંટ
રાજકોટ અગ્નિકાંડ થયા બાદ ફાયર સેફ્ટીના સાધનોની માંગ વધી
છે. કલોલ શહેરમાં અગ્નિશામક સાધનો વેચતા વેપારીઓને તડાકો પડી ગયો છે. આ વેપારીઓ
દ્વારા નિયત કિંમત કરતા વધુ કિંમતે અગ્નિશામક સાધનો વેચવામાં આવી રહ્યા છે તેવો
લોકોએ આક્ષેપ કર્યો છે. ફાયર એક્ટીગ્યુશર કાળા બજાર કરીને ઊંચી કિંમત લઈને વેચવામાં
આવી રહ્યા છે. ફાયર સેફટીના દુકાનદારો આગળથી સપ્લાય આવતો નથી તેમ કહીને કૃત્રિમ
અછત ઊભી કરે છે અને ગ્રાહકોને મોંઘા ભાવે ફાયર સેફટીના સાધનો ખરીદવાની ફરજ પાડી
રહ્યા છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા તપાસ કરીને આ રીતની પ્રવૃત્તિ આચરનારા વેપારી
વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.