કલોલમાં સાંજે પાંચ વાગ્યા સુધી 60.29 ટકા જેટલું મતદાન નોંધાયું

Updated: May 7th, 2024


Google NewsGoogle News
કલોલમાં સાંજે પાંચ વાગ્યા સુધી 60.29 ટકા જેટલું મતદાન નોંધાયું 1 - image


શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતાં તંત્રને હાશકારો

આકરી ગરમીને કારણે બપોરના સમયે મતદારોએ મતદાન કરવાનું ટાળ્યું, ઠેરઠેર છાસ વિતરણ કરાયું

કલોલ :  કલોલમાં ગાંધીનગર લોકસભા બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. કલોલમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૬૦.૨૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ઉનાળાની આકરી ગરમીને પગલે મતદારોએ વહેલી સવારે મતદાન કરવાનું મુનાસીબ માન્યું હતું. સવારથી જ મતદાન મથકોએ મત આપવા લોકોની લાઈનો લાગી ગઈ હતી.  કલોલના અમુક મતદાન કેન્દ્રો પર ઇવીએમ મશીન ખોટકાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન શરૃ થયું હતું.કલોલમાં સવારે ૭ થી ૧૧ દરમિયાન કુલ ૨૭.૬૪ ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે બપોરે ત્રણ વાગ્યા સુધી ૫૨.૯૦ ટકા જેટલું મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી ૮૧,૭૩૮ જેટલા પુરુષ મતદારો અને ૬૮,૯૮૮ જેટલા ી મતદારોએ પોતાનો મત આપ્યો હતો તેમજ ૬૦.૨૯ ટકા મતદાન નોંધાયું હતું.

કલોલમાં મતદાન માટે પ્રથમ વખત મત આપતા યુવક-યુવતીઓએ રસ દર્શાવ્યો હતો. આ ઉપરાંત મતદાર મિત્રો પણ દરેક મતદાન મથકોએ જોવા મળ્યા હતા. કલોલના લઘુમતી વિસ્તારમાં લોકોને મતદાન કરતા રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. બીજી તરફ રેલવે પૂર્વ વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચકમક થતા માહોલ ગરમાયો હતો.બાદમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો.મતદાન મથકોએ સિનિયર સિટીઝનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મતદારોને તકલીફ ન પડે તે માટે મતદાન સહાયતા કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા હતા. ગરમીને પગલે ઠંડા પાણી તેમજ છાસનું વિતરણ કરાયું હતું.

કલોલની લાયન્સનગર પ્રાથમિક શાળામાં મશીન ખોટકાયું

કલોલ વિધાનસભા બેઠક પર મતદાન દરમિયાન ૬ જેટલા મશીન ખોટકાઈ ગયા હતા. ત્રણ સીયુ મશીન, એક બીયુ મશીન અને બે વીવીપેટ મશીન ખોટકાયા હતા.કલોલમાં સવારે ૯ વાગ્યા આસપાસ લાયન્સનગર પ્રાથમિક શાળામાં ઇવીએમ ખોટકાયું હતું. ઇવીએમ મશીન બગડતા મતદાન અટકાવવાની ફરજ પડી હતી. મશીન ખોટકાઈ જતા મતદારોની લાંબી લાઇન લાગી ગઈ હતી. બાદમાં બીજું મશીન લગાવી મતદાન ચાલુ કરવામાં આવ્યું હતું. મશીન બગડવાની ઘટનાને પગલે લોકોમાં નારાજગી જોવા મળી હતી.

ગામડાઓમાં મતદારોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો

કલોલ તાલુકાના ગામડાઓમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ગામડાઓમાં સવારે સાત વાગ્યાથી મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. રાચરડામાં ૮૭ વર્ષના વૃદ્ધાએ મત આપી પોતાની ફરજ પૂર્ણ કરી હતી. ગરમી હોવા છતાં દિવસ દરમિયાન મતદાન માટે ધસારો રહ્યો હતો. ક્લોલના નાસ્મેદ,રાચરડાં,રકનપુર,પાનસર,આરસોડિયા, બોરીસણા જેવા ગામોમાં મતદારોએ લાંબી લાઇન લગાવી હતી.



Google NewsGoogle News