વિધર્મી વિદ્યાર્થીએ ક્લાસમેટને બ્લેડ મારી, ફરિયાદ કરી તો વિધર્મી વાલીએ આવીને થપ્પડ ઝીંકી
વડોદરાની જીવન સાધના સ્કૂલનો બનાવ : હિન્દુ-મુસ્લિમ ટોળા સામ સામે આવી ગયા
વડોદરા : સંવેદનશિલ ભૂતડીઝાપા વિસ્તારમાં આવેલી ૬૫ વર્ષ જુની જીવન સાધના સ્કૂલમાં બાળકોની તકરારના મામલે સોમવારે બપોરે ટોળા એકઠા થયા હતા અને એક તબક્કે હિન્દુ - મુસ્લિમ જેવો કોમી મામલો બની જતા તણાવ સર્જાઇ ગયો હતો. આ મામલો આખરે કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને મોડી રાત સુધી ફરિયાદ નોંધાવાની હિલચાલ ચાલતી હતી.
વાલીઓ, શાળા સંચાલકો અને પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે બની હતી જેનું રિએક્શન સોમવારે જોવા મળ્યુ હતું. શુક્રવારે બનેલી ઘટનાને શાળા સંચાલકોએ દબાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સોમવારે ઘટનાએ ભડકો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓના આક્ષેપ મુજબ જીવન સાધના સ્કૂલમાં ધો.૪માં ભણતા એક વિદ્યાર્થીને ક્લાસમાં જ ભણતા વિધર્મી વિદ્યાર્થીએ શુક્રવારે હાથમાં બ્લેડ મારી દીધી હતી. જે બાદ બ્લેડના ઘાનો ભોગ બનનાર વિદ્યાર્થી અન્ય બે વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચ્યો હતો અને ફરિયાદ કરી હતી. આથી પ્રિન્સિપાલે વિદ્યર્મી વિદ્યાર્થીના વાલીને શનિવારે શાળામાં બોલાવ્યા હતા.
વિધર્મી વિદ્યાર્થીના વાલી શાળામાં ઘુસી પહેલા માળે ક્લાસરૃમમાંથી ત્રણ વિદ્યાર્થીઓને ખેંચીને નીચે લઇ આવ્યો હોવાનો પણ આક્ષેપો
આ ઘટના બાદ પ્રિન્સિપાલ અને વર્ગ શિક્ષકે ભોગ બનનાર વિદ્યાર્થીને ઘરે કશુ નહી કહેવા કહ્યું હતું પરંતુ વિદ્યાર્થી ઘરે આવીને રડવા લાગ્યો હતો અને ઘટના અંગે જાણ કરતા ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓ પણ શનિવારે શાળામાં પહોંચ્યા હતા પરંતુ પ્રિન્સિપાલ અને શિક્ષક તરફથી યોગ્ય જવાબ નહી મળતા તેઓએ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને જાણ કરી હતી.જે બાદ આજે વીએચપીના આગેવાન અને કાર્યકરો જીવન સાધના સ્કૂલમાં પહોંચી જતા હોબાળો મચી ગયો હતો. બન્ને પક્ષે ટોળા ઉમટી પડયા હતા તે સમયે જ શાળા સંચાલકોએ સ્કૂલ છોડી મુકતા અન્ય વાલીઓ પણ શાળાએ આવી જતા મામલો તંગ બની ગયો હતો. જેના પગલે કારેલીબાગ પોલીસ દોડી આવી હતી. સ્થળ પર સમજાવટના પ્રયત્નો કરવામા આવ્યા હતા પરંતુ વાલીઓ નહી માનતા આખરે પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.
લાફો માર્યો હોવાની વાત ખોટી છે, ક્લાસરૃમમાંથી વિદ્યાર્થીને હાથ પકડીને વિધર્મી વાલી નીચે ખેંચી ગયા હતા
જીવન સાધના સ્કૂલમાં બનેલી ઘટના અંગે વાત કરતા શાળા સંચાલક શિતલ મહેતાએ કહ્યું હતું કે ભોગ બનનાર વિદ્યાર્થીને વિધર્મી વાલીએ લાફો માર્યો હોવાની વાત ખોટી છે. હા વિધર્મી વાલી ક્લાસરૃમમા આવીને ભોગ બનનાર વિદ્યાર્થીનો હાથ પકડીને ખેંચી ગયા હોવાની વાત સાચી છે. તેના વિડીયો ફૂટેજ પણ છે.
વિધર્મી વાલીઓનો પણ આક્ષેપ છે કે તેના સંતાનને આ ત્રણ વિદ્યાર્થી એક સપ્તાહથી હેરાન કરતા હતા
મામલો સામાન્ય હતો પરંતુ બન્ને પક્ષે ઉશ્કેરાઇ ગયા હતા. બનાવ શુક્રવારનો હતો પરંતુ આજે કેટલાક સંગઠનો આમા સામેલ થતાં તણાવ વધી ગયો હતો. છેલ્લા એક મહિનામાં આવી ચાર ઘટના બની છે તે વાત ખોટી છે. ચાર ઘટના તો નથી બની તેનાથી ઓછી બની છે. સ્કૂલ ૬૫ વર્ષથી ચાલે છે ભૂતકાળમા આવી ઘટનાઓ ક્યારેય નથી બની.
એક મહિનામાં જીવન સાધનામાં આવી ચોથી ઘટનાનો પણ આક્ષેપ
જીવન સાધના સ્કૂલમાં આજે બનેલી ઘટના વખતે એકઠા થયેલા વાલીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા કે છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં અને આ વિસ્તારમાં કોમી શાંતિને પલિતો ચાપવાનુ કાવતરૃ થઇ રહ્યું છે. એક મહિનામાં આવી આ ચોથી ઘટના બની છે અગાઉની ત્રણ ઘટનામાં વાલીઓ ચૂપ રહ્યા અને શાળાએ સમાધાનકારી વલણ અપનાવ્યુ એટલે આજે ચોથી ઘટના બની છે. આ મામલે તંત્રએ ગંભીરતાપૂર્વક વિચારીને પગલા લેવા જોઇએ.