ગોત્રીમાં બે ગણેશ મંડળો વચ્ચે ખટરાગ,ચિંતામણી મંડળ દ્વારા DJ પર ઉશ્કેરણીઃ8 સામે ફરિયાદ
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં ગઇ મધરાતે બે યુવક મંડળો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યા બાદ એક યુવક મંડળના સદસ્ય પર શ્રીજીની સવારી લઇ નીકળેલા યુવકો દ્વારા હુમલો કરવાનો બનાવ બનતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
ગોત્રીના અયોધ્યાનગરમાં રહેતા વિજય રાજુભાઇ શર્માએ પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે,ગઇ રાતે અમારા અયોધ્યા કા રાજા યુવક મંડળના સભ્યો પંડાલમાં સ્થાપના માટે તૈયારી કરતા હતા તે દરમિયાન ગોકુળનગરના ચિંતામણી કિંગ યુવક મંડળની શોભાયાત્રા અમારા પંડાલ પાસેથી પસાર થતી હતી.
આ યાત્રામાં ડીજેમાં બાપ તો બાપ કહેવાય,સિંહ તો સિંહ કહેવાય..જેવા ગીતો વગાડવામાં આવતા હતા.આ ઉપરાંત માઇક માં પણ સબ લોક દેખ રહે હૈ,ઓર કુછકર નહિ પા રહે હૈ..ઓપન ચેલેન્જ હૈ,જો કરના હે વો આજાએ.આગમન મેં હમારી મૂર્તિ તૂટતી નહિં,બારીશ હોતી હૈ..જેવા ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા હતા.
જેથી અમે તેમને આમ નહિ કરવા માટે કહેવા જતાં કેટલાક લોકોએ ટી શર્ટ કાઢીને નાચી અમારી સાથે ઝપાઝપી કરવા માંડી હતી.હુમલામાં મને કડુ વાગવાથી ઇજા થઇ હતી.જ્યારે અન્ય બે જણાને પણ ઓછીવત્તી ઇજા થઇ હતી.
ઉપરોક્ત બનાવ અંગે ગોત્રી પોલીસે તેજસ સોનેરા,મિહિર સોનેરા, સુનિલ કોલેકર,ગણેશ ચિત્તે (તમામ રહે.ગોકુળ નગર,ગોત્રી),અક્ષિતરાજ, ભરત મકવાણા (બંને રહે.ચંદ્રમૌલેશ્વર નગર, ગોત્રી) તેમજ શ્લોક દિપલ શાહ(સંસ્કાર નગર, ગોત્રી) અને પૂનમ માળી(પાર્વતી નગર,ગોત્રી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.