ગોત્રી અને માંજલપુરમાં દિવાલ અને વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર સહિત 6 વાહનો દબાયા
વડોદરાઃ વરસાદની સાથે જ વૃક્ષ,મકાનના ભાગ, ઇલેકટ્રિક તાર,હોર્ડિંગ તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે.આજે દિવાલ અને ઝાડ નીચે ચાર વાહનો દબાઇ જવાના બનાવ બન્યા હતા.
વરસાદની સાથે જર્જરિત મકાનોનું જોખમ વધી ગયું છે.તો સાથે સાથે વૃક્ષો પણ ધરાશાયી થવાના બનાવો સતત ચાલુ છે.આજે ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન હાઇટ્સમાં દિવાલ ધરાશાયી થતાં બે કારનો કચ્ચરઘાણ થઇ ગયો હોવાનો બનાવ બન્યો હતો.
તો બીજીતરફ સાંજે જોરદાર વરસાદ ખાબક્યો તે દરમિયાન માંજલપુરના ઇવા મોલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં નીચે એક એક કાર અને ત્રણ ટુવ્હીલર દબાયા હતા.જેથી ફાયર બ્રિગેડે ઝાડ કાપીને વાહનો કાઢવાની કામગીરી કરી હતી.સારાનશીબે ઉપરોક્ત બંને બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી નથી.
આવી જ રીતે છાણી ટીપી-૧૩ વિસ્તારમાં શ્રી રામાપીરના મંદિર પાસે એક વૃક્ષ તાર પર પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો.તો માંજલપુરના ભાથીજી મંદિર પાસે પણ વૃક્ષ ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.