ગોરવા વિસ્તારમાં એલઈડી પોલ પાંચ વર્ષથી ફૂટપાથ પર જૈસે થે
ગટર અને બ્લોકની કામગીરીમાં નડતો પોલ હટાવ્યા બાદ કામ પૂર્ણ થતા ત્યાં જ રાખી મૂક્યો
વડોદરા, તા.13 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર કામગીરી હાથ પર લીધા પછી તે કામ અધૂરું છોડી દે છે અને તેના કારણે લોકો હેરાનગતિનો ભોગ બને છે, આવી ફરિયાદ અવારનવાર થતી રહે છે. ઘણી વખત પાઈપલાઈન માટે ખોદકામ કરીને કામ પૂર્ણ કર્યા બાદ તેના પર પુરાણ કર્યા પછી પણ રોડ બનાવવાની કામગીરી લાંબા સમય સુધી કરવામાં આવતી હોતી નથી.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આઈટીઆઈ ચાર રસ્તા સામે એલ.ઈ.ડી. સ્ક્રીનનો પોલ છેલ્લા પાંચ વર્ષથી ફૂટપાથ પર પડી રહ્યો છે, અને જેને હટાવવા માટે કોઈ તસ્દી લેતું નથી. લોકોના કહેવા મુજબ અગાઉ ગટરની કામગીરી અને ત્યારબાદ પેવર બ્લોકની કામગીરીમાં આ પોલ નડતરરૃપ હતો અને તેને કાઢીને સાઈડમાં મૂકી દેવાયો હતો. શરૃઆતમાં તો તે નજીકમાં આવેલા પેટ્રોલ પંપની સામે હતો પરંતુ ત્યાંથી ખસેડીને ફૂટપાથ પર રાખી દેવાયો છે. લોકોએ બે ચાર વખત તંત્રનું ધ્યાન દોર્યું પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. હાલ આ પોલ ફૂટપાથ પર દબાણ કરતો પડી રહ્યો છે અને સ્માર્ટ સિટીના સ્માર્ટ તંત્રની ગવાહી આપી રહ્યો છે. આવું જ શહેરમાં આવેલા લાડ ભવન સામે રાખેલા વૃક્ષના તોતિંગ થડનું છે. ગયા ચોમાસામાં ભારે વરસાદ અને પવન દરમિયાન તોતિંગ ઝાડ પડી ગયું હતું અને તેના કારણે રોડ બ્લોક થઈ ગયો હતો. કોર્પોરેશનના તંત્ર દ્વારા મૂળ સહિત ઉખડી ગયેલા આ વૃક્ષની ડાળીઓ કામપીને રોડ ખુલ્લો કર્યો હતો અને તોતિંગ થડ રોડની સાઈડે મૂકી દીધું હતું. જે હજુ મહિનાઓથી જેમનું તેમ પડી રહ્યું છે, અને ગંદકી ફેલાવી રહ્યો છે. ઉક્ત બંને જગ્યા પાસેથી કોર્પોરેટરો, કોર્પોરેશનના પદાધિકારીઓ રોજ પસાર થાય છે, પરંતુ નડતરરૃપ બનીને ગંદકી ફેલાવી રહેલા આ બંને હટાવવાની કોઈ દરકાર કરતું નથી.