ગાંધીનગરમાં રાજ્યની સૌથી વધુ ઠંડીનો અનુભવ કરતાં નગરજનો : લઘુતમ 11 ડિગ્રી
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે
૨૪ કલાકમાં ઠંડીના પારામાં ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાતા શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં શિયાળાની મોસમ જામી હોય તે પ્રકારે જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં લોકોને ઠંડી અનુભવવા મળી રહી છે. આમ તો ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરબદલના પગલે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ અનુભવવા મળી હોય તે પ્રકારે ઘણા દિવસથી સવાર થી સાંજ સુધી નગરજનોને ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે સોમવારે ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રાજ્યની સૌથી વધુ ૧૧ ડીગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના
પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. જેની અસર પાટનગર ઉપર પણ વર્તાઈ હોય તે પ્રકારે
અચાનક જ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી
પાટનગરવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. તો ફરીથી અચાનક જ વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને
લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન અનુભવવા મળી
રહી છે. હાલમાં જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં આક્રમક ઠંડીની મોસમ જામી હોય તે પ્રકારે
ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઠંડીએ પણ જોર પકડયું હોય તે પ્રકારે તાપમાનના
પારામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા સોમવારે
રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે.સવારનું તાપમાન ૧૧ ડિગ્રીએ જ્યારે સાંજનું
તાપમાન ૨૮.૯ ડિગ્રી આવીને અટકી ગયું છે. ૨૪ કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો
થવાના કારણે નગરજનો આક્રમક બની રહેલી ઠંડીમાં
થરથરી રહ્યા છે. જેની અસર નગરજનોને દિવસ દરમિયાન અનુભવવા મળી રહી છે.દિવસ અને રાત્રિના તાપમાનમાં ૧૭ ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત
રહેવા પામ્યું છે. ત્યારે રાજ્યની સૌથી વધુ પડેલી ઠંડીમાં ખુલ્લામાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો
તથા પશુ પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે. આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી
પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ પાટનગરવાસીઓને સમગ્ર રાજ્યની સૌથી
વધુ ઠંડીનો સામનો સોમવારે કરવો પડયો હતો.