ભર ઉનાળે શહેર મારું તરસે મરે..? પાણીની તકલીફો: રોજબરોજ માટલા ફોડથી વિરોધ
Image: Facebook
ઉનાળામાં પાણીની અને પાણી પુરવઠાની તકલીફો ઉદભવે અને વધે એ આમ તો સહજ છે. પરંતુ લોકસભાની ચુંટણીની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે એકાએક જ અગાઉના ઉનાળાઓની સરખામણીમાં જળ સંકટ તીવ્ર બને ત્યારે દાળમાં કંઇક કાળુ હોવાની શંકાઓ જાગે છે. એક તરફ વડોદરા મહાનગર પાલિકાનો દાવો છે કે, શહેરના બધા વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી અને પૂરતું પાણી મળી રહ્યું છે. બીજી તરફ વર્તમાન ઉનાળામાં શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ તમામ વિસ્તારોમાં પાઇપ તુટવી, વાલ તૂટવા કે લીકેજ થવા,ખૂબ મથવા છતાં લીકેજ ન મળવા જેવી ઘટનાઓ ઉપરા છાપરી બની રહી છે. રોજ લોકોના મોરચા પાલિકા આવે છે અને માટલા ફોડે છે.
લોકસભાની ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે પુરવઠામાં વિક્ષેપ થી લોકો તો હાલાકી ભોગવે જ છે તેની સાથે સત્તાધારી પક્ષની ચિંતાઓ વધી જાય છે. ભાજપના ઉમેદવાર અને શહેર પ્રમુખ રોજે રોજ લોકસંપર્ક કરી રહ્યા છે.ત્યારે એમને પોતાની સિદ્ધિઓ નો પ્રચાર કરવાની તક ખૂબ ઓછી મળે છે.કારણ કે પાણી પુરવઠાની તકલીફો નો લોકો તરફ થી મારો ચાલે છે.પરિણામે આ લોકોએ સમજાવટ અને બચાવમાં વધુ વ્યસ્ત રહેવું પડે છે. ભાજપમાં ઉપર ઉપર થી બધું સમુસુતરું ભલે લાગે પણ આંતરિક વિખવાદ સહ્ય હદ કરતા વધુ છે એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.વિરોધ પછી જાહેર કરેલા ઉમેદવારમાં ફેરફાર કરવો પડ્યો છે.આ ભાજપમાં સ્વાભાવિક નથી છતાં કરવું પડ્યું છે. જો કે ઉમેદવાર બદલાયા પછી વિરોધના નવા મોરચા ખુલ્યા છે. તેવા સમયે પાણી ન મળવાની,ઓછું મળવાની કે ઓછા દબાણથી મળવાની તકલીફો ને લીધે સત્તા પક્ષના પદાધિકારીઓ ને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે અને સકારાત્મક વાતાવરણમાં નકારાત્મકતા ભળે છે.તેના થી મોટી મૂંઝવણ અને વિમાસણ સર્જાય છે. તેવા સમયે આ વર્ષના ઉનાળામાં જ પાણી પુરવઠાની વધારે અને અસહ્ય તકલીફો ઇરાદાપૂર્વક ઊભી કરવામાં આવી છે કે શું? એવી આશંકાઓ ઉદભવે એ સ્વાભાવિક છે.
ખરેખર આ ઘટનાઓ તંત્રની નિષ્કાળજી કે માનવીય ભૂલો થી થઈ રહી છે? જો એવું હોય તો સુધારા ના ત્વરિત પગલાં લેવાવા જોઇએ.અને તેની સાથે ક્યાંક આંતર કલહ ઊભો કરનારા આ સમસ્યા માટે જવાબદાર તો નથી? એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ.સમસ્યા ના ઉકેલ જેટલી જ અગત્યતા આ સમસ્યા ની તીવ્રતા અને ટાઈમિંગ છે ત્યારે યોગ્ય ઉકેલ લાવવો જ પડે.
ગત લોકસભાની ચૂંટણીમાં ગંદા પાણીની ગંભીર સમસ્યા ઉપસ્થિત થઈ હતી
લોકસભાની ચૂંટણી ટાણે જ પાણીની તકલીફ વર્તમાન બોર્ડની પાર્ટીને સીધે સીધી અસર કરી શકે તેમ છે. આ વચ્ચે તાજેતરમાં પાણીની જે સમસ્યા ઊભી થઈ છે તે કૃત્રિમ છે કે કેમ? તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે ગત લોકસભાની ચૂંટણી ટાણે જ અત્યંત દૂષિત પાણીની ગંભીર સમસ્યા શહેરના અડધા ઉપરાંત વિસ્તારમાં સર્જાઇ હતી. જે બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને હવે તે અધિકારીઓ પુનઃ ફરજમાં ગોઠવાઈ ચૂક્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે વારંવાર ઉપસ્થિત થતી આવી સમસ્યા પાછળ મૂળ કારણ શું છે? તેની તલસ્પર્શી તપાસ પણ જરૂરી બની છે.