પાદરા-વડોદરારોડ પર ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડો
જુગારના અડ્ડાના બે સંચાલક સહિત ૧૬ની રૃા.૨.૪૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ ઃ બે પાર્ટનર સહિત ૯ ફરાર
પાદરા તા.૨૦ પાદરા-વડોદરારોડ પર એક કંપનીની પાછળ ખુલ્લા ખેતરમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડી ૧૬ જુગારીઓને ઝડપી પાડયા હતા જ્યારે નવ જુગારીઓ નાસી ગયા હતાં. પોલીસે કુલ રૃા.૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે પાદરા-વડોદરા સ્ટેટ હાઇવે પર આવેલી વેસ્ટર્ન ઇન્ડિયા સિરામીક પ્રા.લી. કંપની પાછળના એક ખુલ્લા ખેતરમાં લાકડા પર તાડપત્રી બાંધી નીચે ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલે છે તેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી કુલ ૧૬ જુગારીઓને ઝડપી પાડયા હતાં. તેઓની અંગજડતી કરતા રોકડ રૃા.૭૨૨૮૫ તેમજ દાવ પરની રોકડ રૃા.૨૫૫૦૦ મળી કુલ રૃા.૯૭૭૮૫ રોકડ, ૧૬ મોબાઇલ અને એક ટુ વ્હિલર મળી કુલ રૃા.૨.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
સ્ટેટ વિજિલન્સે જુગારધામ ચલાવનાર યુસુફ કાલુભાઇ મલેક (રહે.ઉમીયાવાળી સામે, પાદરા) અને તેનો પાર્ટનર મુનાફ હબીબભાઇ મેમણ (રહે.મહાબલીપુરમ, તાંદલજારોડ, વડોદરા) સહિત વડોદરા અને નજીકના ગામોમાં તેમજ વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલા કુલ ૧૬ શખ્સોને ઝડપી પાડયા હતાં. જ્યારે જુગારધામ ચલાવનાર અન્ય કૌશિક ઉર્ફે ગજી ડોડીયા (રહે.ગોવિંદપુરા, તા.પાદરા), ફારૃક કાલુભાઇ મલેક (રહે.રીફાઇ સોસાયટી, જાસપુરરોડ, પાદરા) સહિત નવ શખ્સો ફરાર થઇ જતાં પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કેસ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તેની તપાસ વડુ પોલીસ સ્ટેશનના પીઆઇને સોંપવામાં આવી છે. કેટલાં સમયથી જુગારનો અડ્ડો ચાલતો હતો તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.