Get The App

શિક્ષણ સમિતિની સ્કૂલમાં ધો.૩ની વિદ્યાર્થિનીને પથ્થર વાગતા એક આંખ ગુમાવવી પડી

સ્કૂલનો સ્ટાફ પરિવારને ગોળ ગોળ ફેરવી રહ્યો છે : સ્કૂલના શિક્ષકો બાળકીને દવાખાને લઇ ગયા

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
શિક્ષણ સમિતિની સ્કૂલમાં   ધો.૩ની વિદ્યાર્થિનીને પથ્થર વાગતા એક આંખ ગુમાવવી પડી 1 - image

વડોદરા,નવાયાર્ડની પંડિત દિનદયાળ સ્કૂલમાં ધો.૩માં અભ્યાસ કરતી બાળકીને સ્કૂલ છૂટવાના સમયે આંખમાં પથ્થર વાગતા તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે અંગે સ્કૂલનો સ્ટાફ પરિવારજનોને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, નવાયાર્ડમાં રહેતી ૧૦ વર્ષની બાળકી નવાયાર્ડમાં આવેલી પંડિત દિનદયાળ સ્કૂલમાં ધો.૩માં અભ્યાસ કરે છે. ગત તા.૮મી એ શુક્રવારે સ્કૂલ છૂટવાના સમયે બાળકી ક્લાસમાંથી બહાર નીકળી રહી હતી. તે સમયે બારીમાંથી અચાનક એક પથ્થર ઉડીને બાળકીની ડાબી આંખમાં ખૂંપી ગયો હતો. પથ્થર વાગતા જ બાળકીની આંખમાંથી લોહી નીકળવા લાગતા તે લોહીલુહાણ થઇ ગઇ હતી. સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ તેને સારવાર માટે નાગરવાડા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઇ  ગયા હતા.  પરંતુ, ઇજા એટલી ગંભીર  હતી કે, બાળકીને તેની આંખ કાયમ માટે ગુમાવવી  પડી હતી.

આ અંગે એક સ્થાનિક સામાજિક કાર્યકરને જાણ થતા તેમણે બાળકીના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલમાં ગયા હતા. તેમણે જણાવ્યું  કે, હજી પથ્થર કઇ  રીતે વાગ્યો ? તે હજી અમને જણાવવામાં આવ્યું નથી.


બાળકીની આંખની રોશની પાછી આવે તે અમારી પ્રાથમિકતા : ચેરમેન

 વડોદરા, આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, હું આવતીકાલે બાળકીના પરિવારને મળવા જવાનો છું. અમારી  પ્રાથમિકતા એ છે કે, બાળકીની આંખની દ્રષ્ટિ પાછી આવે. તે માટે અમે નિષ્ણાંત ડોક્ટરને બતાવીશું. સ્કૂલ રોડ પર હોવાથી બહારથી જતા વાહનના કારણે પથ્થર ઉડીને આવ્યો  હોઇ શકે.


Google NewsGoogle News