દિવાળીમાં ફટાકડાના કારણે શ્વાસની તકલીફના દર્દીઓ વધ્યા
ફટાકડાના કારણે દાઝી જતા બાળક સહિત ૧૦ લોકોએ સયાજીમાં સારવાર લીધી
વડોદરા,દિવાળીના સમય દરમિયાન ફટાકડાના ધુમાડાના કારણે એલર્જી અને શ્વાસની તકલીફના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. સયાજી હોસ્પિટલમાં દિવાળી દરમિયાન ૭૫ દર્દીઓ શ્વાસની તકલીફની ફરિયાદ સાથે સારવાર માટે આવ્યા હતા.
દિવાળીના તહેવારમાં ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક બંધ હોવાના કારણે સયાજી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો. ફટાકડાના કારણે દાઝી જવાના કેસ નોંધાયા હતા. બાળકો સહિત ૧૦ દર્દીઓએ સારવાર લીધી હતી. જે પૈકી નરસિંહજીની પોળમાં ફટાકડા ફોડતા સમયે ૮ વર્ષના બાળકને ચહેરા પર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં ડભોઇ રીંગ રોડ નાથદ્વારામાં રહેતા ૪૯ વર્ષના જયેશ શાહના કાનની નજીક ફટાકડો ફૂટતો કાનમાં બહેરાશ થઇ જતા સયાજી હોસ્પિટમલાં સારવાર લીધી હતી.આ ઉપરાંત અકસ્માત અને મારામારીના પણ દર્દીઓ પણ સારવાર માટે આવ્યા હતા. દિવાળીના તહેવારમાં રોજના ૭૦૦ દર્દીઓ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવતા હતા.