દાહોદમાં વર્ષો જૂની પોલીસચોકી પર બુલડોઝર ફેરવી દેવાયું
પોલીસચોકીને ચાકલિયારોડ ખાતે ઓક્ટ્રોયનાકા પર સ્થળાંતર કરાઇ
દાહોદ તા.૨૧ દાહોદ શહેરમાં સ્માર્ટ સિટિ અંતર્ગત સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી દરમિયાન ગોદીરોડ સ્થિત પોલીસ ચોકી નંબર ૬ દબાણમાં આવતા ચોકી પર આજે બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આ પહેલા પોલીસ ચોકી નંબર છને ચાકલિયારોડ સ્થિત જુના ઓક્ટ્રોયનાકા પર કાર્યરત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દાહોદ શહેરના ગોદી રોડ પર વહીવટીતંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે રેલ્વે ગેટની એન્ટ્રી તરફ આવેલી દુકાનો તેમજ પોલીસ ચોકીની બાજુમાં આવેલી દુકાનને તોડી પાડવામાં આવી હતી.
દરમિયાન રસ્તામાં દબાણમાં આવતી પોલીસ ચોકી તેમજ સુલભ શૌચાલયને તોડી પાડવાની કામગીરીથી બાકાત રાખવામાં આવી હતી. ત્યારબાદ પોલીસતંત્ર દ્વારા વર્ષોથી ગોદીરોડ પર કાર્યરત પોલીસ ચોકી નંબર છને ચાકલીયા રોડ સ્થિત જુના ઓકટ્રોયનાકા પર કાર્યરત કરવા માટે નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા પત્ર વ્યવહાર તેમજ અન્ય જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ જુના ઓક્ટ્રોયનાકાને રીડેવલોપમેન્ટ કરી તે સ્થળ પર પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી હતી.
બાદમાં આજે તંત્ર દ્વારા બુલડોઝર વડે પોલીસ ચોકીને તોડી પાડવામાં આવી હતી. જોકે હાલ ગોદી રોડ રેલવે એન્ટ્રી ગેટ પાસે આવેલાં સુલભ શૌચાલયને તોડી પાડવાની કામગીરી ટેકનિકલ કારણોના લીધે મુલત્વી રાખવામાં આવી છે.