Get The App

દાહોદમાં ૭ દિવસમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ઇશ્યૂ કરાઇ

અમે સરકારી હુકમો તેમજ વેચાણ દસ્તાવેજોના આધારે મિલકતો ખરીદી છે : મિલકતના માલિકો

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
દાહોદમાં ૭ દિવસમાં દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ઇશ્યૂ કરાઇ 1 - image

દાહોદ.દાહોદમાં બહુચચત નકલી એન.એ. પ્રકરણમાં વહીવટી તંત્રની નિયુક્ત કરેલી ટીમો દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આજે બીજા દિવસે તંત્ર દ્વારા જે તે દબાણકર્તાઓને ૭ દિવસમાં દબાણ દૂર કરવા માટે  નોટિસો આપવામાં આવી હતી.  બીજી તરફ ઉપરોક્ત સરકારી પડતર જમીનમાં દબાણકર્તાઓ પોલીસ અધિક્ષક, કલેકટર પાસે પોતે છેતરાયા હોવાની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સાથે દિવાળી ટાણે  દબાણો અંગે રાહત આપવા જણાવ્યું હતું.

દાહોદ ગરબાડા રાજપુર હાઇવે ઉપર સાંગા ફળિયાથી નાનીખરજ સીમાડા સુધી સરકારી પડતર જમીનને ખાનગી જમીનમાં ભેળવી  ખાનગી જમીનના નામે દસ્તાવેજો કરી આપી  મોટા એમ્પાયરો ઉભા કરનાર ડેવલપર, બિલ્ડર અને જમીનધારકો સામે ભારે આક્રોશ ફેલાયો છે.તંત્ર દ્વારા સરકારી પડતર જમીનની માપણી કરી અને ઉભા થયેલા એમ્પાયરો પર  ડીમાર્કેશનની કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દબાણ ૭ દિવસમાં હટાવવાની નોટિસ આપવામાં આવી છે.

આ પ્રકરણમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ સામે  પણ તપાસ હાથ ધરી  પગલા લેવાય તેવી માંગણી પણ કરવામાં આવી છે. એક તરફ વહીવટી તંત્ર ફોજદારી કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે ડિમોલેશન પણ હાથ ધરાય તેવી વકી છે. 

 મિલકત ધારકોના જણાવ્યા અનુસાર , તેઓ ૧૫ વર્ષથી આ મિલકતોનો ભોગવટો કરી રહ્યા છે.જે - તે ડેવલોપર, બિલ્ડર તેમજ દલાલો દ્વારા  તેઓને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. વર્ષોથી અહીંયા કોમશયલ મિલકતોની બાંધકામ થયું છે.  અમે  સરકારી હુકમો તેમજ વેચાણ દસ્તાવેજો ના આધારે મિલકતો ખરીદી છે.  આ દસ્તાવેજો અને હુકમો નકલી હોય તો આટલા વર્ષોથી તંત્ર કેમ ચૂપ હતું.   

ઉલ્લેખનીય છે કે, નકલી એન.એ. પ્રકરણ સામે આવ્યા બાદ ઉપરોક્ત સર્વે નંબર  બોગસ હોવાનું બહાર આવ્યું છે. અસલ  સરકારી પડતર કહેવાતા  ૧૦૦૩ નંબરના સર્વે નંબરને ભેજાબાજોએ કાગળ ઉપર ૩૭૬ સર્વે નંબર બતાવી બોગસ હુકમો તેમજ દસ્તાવેજો સહિતના  નકલી કાગળો બનાવી કરોડો રૃપિયાના વેપાર કરી  ઉપરોક્ત મિલકત ધારકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.


Google NewsGoogle News