Get The App

'છોટી અયોધ્યા'માં રામને રાજા તરીકે પૂજવામાં આવે છે, ભગવાન રામને અપાય છે 'ગાર્ડ ઓફ ઓનર'

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
'છોટી અયોધ્યા'માં રામને રાજા તરીકે પૂજવામાં આવે છે, ભગવાન રામને અપાય છે 'ગાર્ડ ઓફ ઓનર' 1 - image


- સશસ્ત્ર સલામી અપાય છે

- ઓરછાની ચાર દીવાલમાં વડાપ્રધાન કે વીવીઆઈપીને કોઈ સલામી અપાતી નથી

વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

વડોદરાથી અયોધ્યા ચાલતા ગયેલા પદયાત્રીઓએ છોટી અયોધ્યા તરીકે ઓળખાતા ઓરછા ધામનો રોચક ઇતિહાસ પણ કહી સંભળાવ્યો છે. સંવત 1631માં ઓરછા રાજ્યના શાસક મધુકર શાહ કૃષ્ણના ભક્ત હતા અને તેમની રાણી કુંવરી ગણેશ રામના ભક્ત હતા. રાજા મધુકર શાહે એકવાર રાણી કુંવરી ગણેશને વૃંદાવન જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો,પરંતુ તેણે અયોધ્યા જવાનો આગ્રહ રાખ્યો હતો. રાજાએ કહ્યું  કે જો રામ સાચા હોય તો તેને ઓરછા લાવો અને બતાવો. રાણી કુંવરી ગણેશ અયોધ્યા ગયા. જ્યાં તેમણે ભગવાન રામને પ્રગટ કરવા માટે તપસ્યા શરૂ કરી. 21 દિવસ પછી પણ કોઈ પરિણામ ન આવતાં રાણીએ સરયૂ નદીમાં ઝંપલાવ્યું. જ્યાં ભગવાન શ્રી રામ બાળ સ્વરૂપે તેમના ખોળામાં બેઠા હતા. શ્રી રામ રાણીના ખોળામાં બેઠા કે તરત જ રાણીએ તેમને ઓરછા જવા કહ્યું. ભગવાને રાણી સમક્ષ ત્રણ શરતો મૂકી. પહેલી શરત એ હતી કે હું ઓરછામાં જ્યાં બેઠો હતો ત્યાંથી ઊઠીશ નહીં. બીજું એ કે રાજા તરીકે સ્થાપિત થયા પછી ત્યાં બીજા કોઈની સત્તા નહીં રહે. ત્રીજી શરત એ  કે તે પોતે ઋષિ-મુનિઓની સાથે પુષ્ય નક્ષત્રમાં પગપાળા બાળકના રૂપમાં ચાલશે.

'છોટી અયોધ્યા'માં રામને રાજા તરીકે પૂજવામાં આવે છે, ભગવાન રામને અપાય છે 'ગાર્ડ ઓફ ઓનર' 2 - image

ઓરછામાં શ્રી રામના આગમનના સમાચાર સાંભળીને રાજા મધુકર શાહે તેમને રહેવા માટે ભવ્ય ચતુર્ભુજ મંદિર બનાવ્યું હતું. મંદિરને ભવ્ય રૂપ આપવાની તૈયારીઓને કારણે ભગવાનને રાણી કુંવરી ગણેશના રસોડામાં મૂકવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામની શરત હતી કે તેઓ જ્યાં બેઠા છે, ત્યાંથી ફરી ઊભા નહીં થાય. આ જ કારણ છે કે તે સમયે બનેલા મંદિરમાં ભગવાન નહોતા ગયા. તે આજે પણ નિર્જન છે અને ભગવાન રાણીના રસોડામાં બેઠા છે. જ્યાં હાલમાં અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. રામને રાજા તરીકે પૂજવામાં આવે છે, અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ઓરછામાં રામ રાજાની સરકાર છે. ચાર વાગ્યે આરતી થાય છે. સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં સશસ્ત્ર ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ જવાનોને રાજ્ય સરકાર દ્વારા દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. વીવીઆઈપી હોય કે વડાપ્રધાન, ઓરછાની ચાર દીવાલોમાં તેમને કોઈ સલામી આપવામાં આવતી નથી.


Google NewsGoogle News