Get The App

અજાણ્યા વાહનના કિસ્સામાં વીમારૃપી રકમ મળી શકે હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર પાસેથી પણ વળતર મેળવી શકાય

અકસ્માત કરીને ફરાર અને નહી ઓળખાયેલા વાહનોના કિસ્સામાં ગરીબોને મૃત્યુ માટે રૃા.૨ લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને રૃા.૫૦ હજારનું વળતર મળે

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
અજાણ્યા વાહનના કિસ્સામાં વીમારૃપી રકમ મળી શકે  હિટ એન્ડ રનના કિસ્સામાં સરકાર પાસેથી પણ વળતર મેળવી શકાય 1 - image

વડોદરા, તા.13 નેશનલ હાઇવે અથવા સ્ટેટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. રોડ પર પૂરપાટઝડપે દોડતા વાહનની અડફેટે આવનાર કોઇપણ વ્યક્તિ ઇજા પામે અથવા મૃત્યુ પામે તો વીમા દ્વારા ક્લેઇમ મેળવી શકાય છે પરંતુ જો અકસ્માત કરનાર વાહનની ઓળખ ના થઇ હોય તો તેવા કિસ્સામાં પણ વીમાની રકમ મળતી હોય છે જે લોકોને ખબર નથી જેના કારણે સરકાર સમક્ષ ક્લેઇમ થઇ શકતો નથી.

આ અંગેની વિગત એવી છે કે હાઇવે પર અકસ્માત કરીને ભાગી જનાર વાહન સામે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવે છે અને  જો વાહનની ઓળખ ના થાય તો તેવા કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનારને વીમાનો લાભ મળતો નથી તેવી સામાન્ય માન્યતા લોકોમાં છે. ખાસ કરીને ગરીબ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તો તે જાણકારીના અભાવે કોઇ કાર્યવાહી કરી શકતો નથી પરંતુ સરકારની કમ્પેન્સેશન ટુ વિક્ટિમ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ-૨૦૨૨ અમલમાં છે જેનો ઉપયોગ કરીને અજાણ્યા વાહનનો અકસ્માતમાં ભોગ બનેલાના પરિવારજનો વળતર સરકાર પાસે માંગી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮માં સુધારો કરવામાં આવ્યો છે, જૂની સ્કીમ મુજબ અજાણ્યા વાહનની ટક્કરે મૃત્યુ પામવાના કિસ્સામાં માત્ર રૃા.૨૫ હજાર જ્યારે ગંભીર ઇજા પામનારને રૃા.૧૨૫૦૦ મળતા હતા પરંતુ એપ્રિલ-૨૦૨૨થી અમલમાં આવેલી આ સ્કીમ મુજબ હવે મૃત્યુ પામનારના કિસ્સામાં રૃા.૨ લાખ અને ગંભીર ઇજા પામનારને રૃા.૫૦ હજાર વળતર મળે તેવી વ્યવસ્થા છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ વાહન વ્યવહાર કમિશનર દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં જિલ્લા કલેક્ટર અથવા સરકાર દ્વારા નિયુક્ત ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઓફિસરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટિ સમક્ષ હિટ એન્ડ રનના કિસ્સામાં દાવો કરવામાં આવે તો અકસ્માતનો ભોગ બનનાર અથવા તેના પરિવારજનોને મોટી રકમ મળી શકે છે.

વડોદરામાં માત્ર બે કિસ્સામાં જ ઓર્ડર કરાયા

વડોદરા શહેર અને જિલ્લામાં પણ અકસ્માત વળતર આપવા આ માટેની કમિટિ કાર્યરત કરવામાં આવી છે. જો કે આ સ્કીમ અંગે લોકોમાં ખૂબ ઓછી જાણકારી હોવાથી લોકો ક્લેઇમ કરી શકતા નથી. વડોદરામાં છેલ્લા એક વર્ષમાં આવેલી અરજીઓ પૈકી માત્ર બે અરજીઓને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાના ઓર્ડર કરવામાં આવ્યા છે.

અજાણ્યા વાહનની કિસ્સામાં અકસ્માતની કમિટિમાં ૧૨ સભ્યોની કમિટિ 

અજાણ્યા વાહન દ્વારા થયેલા અકસ્માતના કિસ્સામાં વળતરની ચૂકવણી માટે ડિસ્ટ્રિક્ટ લેવલની કમિટિમાં ૧૨ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રેવન્યૂ અધિકારીઓ ઉપરાંત પોલીસ અને આરટીઓ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ચાર્જશીટ સુધીની કાર્યવાહી બાદ આ કમિટિ દ્વારા વળતર ચૂકવણી માટેની માંગણી કરી શકાય છે.


Google NewsGoogle News