બોરસદમાં યુવકે ચપ્પાની અણીએ 24.50 લાખની લૂંટ ચલાવી

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
બોરસદમાં યુવકે ચપ્પાની અણીએ 24.50 લાખની લૂંટ ચલાવી 1 - image


વાઈફાઈ ચેક કરવાના બહાને અજાણ્યો શખ્સ ઘરમાં ઘુસી આવ્યો

યુવતીને ઘરમાં એકલી જોઇ ચપ્પાની અણીએ ધમકાવી સોનાની ચેઇન લૂંટી, ઘરમાંથી રોકડ પણ ઉઠાવી ગયો

આણંદ: બોરસદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલા એક ટેર્નામેન્ટમાં બુધવારે ભરબપોરે ઈન્ટરનેટ ચેક કરવાના બહાને ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા શખ્સે યુવતીના મ્હોં ઉપર ડુચો મારી દઈ ચપ્પાની અણીએ સોનાની ચેઈન અને રોકડા રૂા.૨૪ લાખ મળી કુલ રૂા.૨૪.૫૦ લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ  ગયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

બોરસદ શહેરના ૧૦૦ ફૂટ  રોડ ઉપર આવેલા માં ટેર્નામેન્ટ ખાતે રહેતા અને એમબીબીએસનો અભ્યાસ પૂરો કરેલા ૨૫ વર્ષીય આર્ચીબેન દિપકભાઈ પઢિયાર બુધવારે ઘરે એકલાં હતાં. દરમિયાન બપોરે સવા વાગ્યાની આસપાસના ટોપી, ચશ્મા અને મોઢે રૂમાલ બાંધેલો એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને વાઈફાઈ ચેક કરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. 

ઘરનું વાઈફાઈ બંધ હોવાથી આવનાર શખ્સ વાઈફાઈ ચેક કરવા માટે જ આવ્યા હોવાનું માની તેણીએ અજાણ્યા શખ્સને ઘરમાં પ્રવેશ આપ્યો હતો અને પાણી પીવા માટે પાણીની બોટલ લેવા ગઈ હતી. દરમિયાન પાછળથી અજાણ્યા શખ્સે રૂમાલથી મોઢાના ભાગે ડૂચો મારી દીધો હતો અને આર્ચીબેનને ચપ્પુ બતાવી ગળામાં પહેરેલી સોનાની ચેઈન આપી દેવા કહ્યું હતું. 

બીકના માર્યા તેણીએ ચેઈન ઉતારીને આપી દીધી હતી. ત્યારબાદ શખ્સે તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાણાં ક્યાં મૂક્યા છે તેમ પુછતા તેણીએ ઉપરના માળે ઈશારો કર્યો હતો. જેથી અજાણ્યો શખ્સ તેણીને ઉપરના માળે લઈ જઈ તિજોરીમાં રાખેલા રોકડા રૂ.૨૪ લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તેણીને બે-ત્રણ લાફા મારી દેતા તેણી બેભાન થઈ પડી ગઈ હતી.

 બાદમાં શખ્સ રોકડ અને સોનાની ચેઈનની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

લૂંટારો જાણભેદુ હોવાની શક્યતા 

બોરસદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલા માં ટેર્નામેન્ટ ખાતે ભરબપોરે થયેલી લૂંટની ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પ્રબળ શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની વિવિધ ટીમો દ્વારા લૂંટારાને ઝડપી પાડવા નાકાબંધી કરી સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અજાણ્યો લુંટારુ શખ્સ ૩૦ થી ૩૫ વર્ષના આશરાનો મધ્યમ બાંધાનો હોવાનું વર્ણનમાં જાણવા મળતા પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News