આણંદમાં વડિલોપાર્જીત જમીનનો ખોટા વ્યક્તિઓ બતાવી દસ્તાવેજ કરી લીધો
પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
એકબીજાની મદદગારીથી ખોટા ફોટા, સહીઓ કરી મિલકતમાં ફેરફાર નોંધ પાડી વલાસણના શખ્સનો વેચાણ દસ્તાવેજ કરાયો
આણંદ પાસેના જુના મોગરી રોડ ઉપર શિવનગર સોસાયટીમાં રહેતા મંગળભાઈ રણછોડભાઈ ગોહેલ ગત તા.૧૩મીના રોજ ઘરે હાજર હતા. ત્યારે રજીસ્ટર એડીથી નોટિસ મળી હતી. આંખે ઓછું દેખાતું હોવાથી નોટિસ પૌત્ર જીગ્નેશકુમારે વાંચતા જણાવ્યું હતું કે, વડીલોપાર્જીત જમીન મોજે શહેર આણંદ, સાંગોડપુરા તા.જી.આણંદમાં આવેલી જુની શરતની ખેતીલાયક જમીન આવેલી છે. જેમાં આરઆરટી તકરારી કરેલી છે. જે જમીનના વેચાણ દસ્તાવેજની નોટિસ હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પૌત્ર જીગ્નેશે વડીલોપાર્જીત જમીનને લગતી ઓનલાઈન તપાસ કરતા મીલકતમાં ફેરફાર નોંધ પડેલી હોવાનું જણાતા રજીસ્ટ્રારની કચેરીમાં તપાસ કરતા ઉપરોક્ત જમીનનો વેચાણ દસ્તાવેજ લખી આપનારા તરીકે મંગળભાઈ તથા બહેન કુસુમબેનના નામનો ઉપયોગ કરી અમારા નામ લખેલા હતા.
જેમાં મંગળભાઈ તથા બહેન કુસુમબેનની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિઓના ફોટા ચોંટાડેલા હતા. જ્યારે સાંગોળપુરાના મહેન્દ્રભાઓઈ કાન્તિભાઈ ગોહેલ, અંબાલીના રમેશભાઈ લક્ષ્મણભાઈ ડાભી, સાંગોળપુરાના જીગ્નેશભાઈ ચંદુભાઈ ગોહેલ અને મહોરેલના અજીતભાઈ ધનજીભાઈ સોલંકીના નામો પણ લખેલા હતા. તેમજ વેચાણ દસ્તાવેજ લખાવી લેનારમાં વલાસણના દેવાશીય ચંદ્રકાંત પટેલ અને સાક્ષી તરીકે જીતેન્દ્રભાઈ સુરેશભાઈ ખાંટ (રહે.કરમસદ) તથા સાહિલભાઈ ઈરફાનભાઈ વહોરા (રહે.આણંદ)ના નામો લખેલા અને તેમની સહીઓ હતી. ઉપરોક્ત તમામ શખ્શોએ સબ રજીસ્ટ્રાર આણંદ ખાતે દસ્તાવેજ રજુ કરીને મંગળભાઈ તથા કુસુમબહેન વતી ખોટી વ્યક્તિઓ રજુ કરી કબુલાત તેમજ ફોટો તેમજ અંગુઠાના નિશાન આપ્યા હતા.
આમ ઉપરોક્ત તમામ શખ્સોએ ભેગા મળી ખોટો દસ્તાવેજ બનાવી ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારીથી મંગળભાઈ તથા કુસુમબહેનની વડીલોપાર્જીત જમીન તેમની જાણ બહાર ખોટો દસ્તાવેજ કરી ખોટા અંગુઠાના નિશાન કરી દેવાશીય ચંદ્રકાન્ત પટેલને વેચાણ રાખેલ હોવાથી મંગળભાઈ ગોહેલે આ બનાવ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે કુલ ૯ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.