આણંદ જિલ્લામાં અડધુ ચોમાસુ પત્યા પછી તંત્રએ કાંસની સફાઈ શરૂ કરી
27 ગામોમાં 45 કિ.મી. કાંસની ફરી સફાઈ કરાઈ
ગ્રામ્ય વિસ્તારોમાં ૬ હિટાચી, ૩૦ જેસીબી ૧૫ ટ્રેક્ટર અને માનવ બળ કામે લાગ્યા
આણંદ: આણંદ જિલ્લામાં કાંસની સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અડધુ ચોમાસુ વિત્યા પછી પાણીનો નીકાલ ન થતા તંત્ર મોડે મોડે જાગ્યું છે અને ફરી કાંસની સફાઈ શરૂ કરી છે. ત્યારે જિલ્લાના ૨૭ ગામોમાં ૪૫ કિ.મી. કાંસની સફાઈ હાથ ધરી ભરાયેલા પાણીનો નિકાસ કરવાની કામગીરી ફરી આદરાઈ છે.
આણંદ જિલ્લામાં વરસાદના પગલે પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર સર્જાઈ છે. જેથી જિલ્લા તંત્રએ અગાઉ કાંસની સફાઈ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં ગયા છે. ત્યારે ફરી લાખોના ખર્ચે તંત્રએ જિલ્લામાં ભરાયેલા પાણીના નિકાલ માટે ૨૭ ગામોમાં અંદાજે ૪૫ કિ.મી. લાંબાઈની કાંસની સફાઈ શરૂ કરી છે.
આણંદ જિલ્લાના સોજીત્રા, નાપા, સિલવાઈ, પાળજ, આમોદ, નાર, વડદલા, કણીયા, રામોદડી, માનપુરા, શાહપુર, બાંધણી, વહેરા, રાસ, ઇસણાવ, વિરોલ, જોળ, ઉમરેઠ, બોચાસણ, પામોલ-બોરસદ, સિંગલાવ-બોરસદ, સિંહોલ, સંદેશર, દંતાલી, સાંસેજ, પેટલાદ અને ફાંગણી વિસ્તારોમાં કાંસમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વહેલી સવારથી મોડી રાત સુધી ૦૬ હિટાચી મશીન, ૩૦ જેટલા જેસીબી મશીન, ૧૫ જેટલા ટ્રેક્ટર અને માનવ બળ દ્વારા કાંસની સાફ-સફાઇ કરી પાણીનો નિકાલ શરૂ કરાયો છે.