આજવા રોડની સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ અંગે અરજી આપનાર નિવૃત્ત આર્મી મેન પર હુમલો
આર્મીમેને જાતિ વિષયક શબ્દો કહી ધમકી આપી : બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,ગેરકાયદે બાંધકામ અંગે કોર્પોરેશનમાં અરજી આપનાર નિવૃત્ત આર્મીમેન પર સોસાયટીમાં રહેતા દંપતિએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામા પક્ષે નિવૃત્ત આર્મી મેન સામે પણ ફરિયાદ નોંધાઇ છે.
આજવા રોડ કમલા નગર તળાવ પાસે આનંદ મંગલ સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન સંજયભાઇ પદ્માકરભાઇ રણદિવે એ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા મકાનની સામે રહેતા રાજેશભાઈ રણછોડભાઈ ચાવડાના મકાનનું રિનોવેશનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. તેઓએ મકાનની આગળ તેમની માલિકીના પ્લોટ એરિયામાં વધારાનું બાંધકામ કર્યુ હતું. રાજેશભાઈ જ્યારે ગેરકાયદે બાંધકામ કરતા હતા ત્યારે અમે તેમને કાયદેસર બાંધકામ કરવા કહી સમજાવ્યા હતા કે, તમારા ગેરકાયદેસર બાંધકામથી અમારૃં વેન્ટિલેશન બંધ થઈ જાય છે . તેમ છતાં તેમણે બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી, અમે ગેરકાયદે બાંધકામ તોડવા માટે કોર્પોેરેશનમાં અરજી આપી હતી. જે અરજી અનુસંધાને કોર્પોેરેશન તરફથી રાજેશભાઈને નોટિસ આપવા છતાં પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી, ૨જી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રાજેશભાઈ ચાવડાના મકાનનો ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કોર્પોેરેશનનો સ્ટાફ આવ્યો હતો. રાજેશભાઈએ સાત દિવસમાં બાંધકામ તોડાવી નાખીશ તેવી લેખિતમાં બાહેધરી આપી હતી. તેની રિસ રાખી રાજેશભાઈ ચાવડા તથા તેમના પત્ની હંસાબેને અમારા ઘરે આવી અમને જાનથી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, મારા જેવો ખરાબ માણસ તમને સોસાયટીમાં નહીં મળે. તેમણે મને બે - ત્રણ મુક્કા મારી દીધા હતા. મેં બૂમાબૂમ કરતા આજુબાજુથી પાડોશીઓ આવે તે પહેલા પતિ પત્ની જતા રહ્યા હતા.
જ્યારે સામા પક્ષે રાજેશભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સંજયભાઇએ મકાનના બાંધકામ બાબતે તકરાર કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાપોદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.