વિશ્વામિત્રી પાસેની કોલેજમાં બે એકલવાયી વિદ્યાર્થિનીએ અંધારામાં 48 કલાક કાઢ્યા,સામે મગરો ફરતા હતા
symbolic |
મુજમહુડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીને અડીને આવેલી ખાનગી કોલેજની હોસ્ટેલમાં લોન્ગ વીકેન્ડ હોવાને કારણે વિદ્યાર્થિનીઓ ચાલી ગઇ હતી.પરંતુ બે વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
ત્રણ દિવસ પહેલાં જોરદાર વરસાદ પડતાં બંને વિદ્યાર્થિનીએ રૃમમાં જ ખાવાનું બનાવીને ખાધું હતું. વિશ્વામિત્રી નદીમાં પૂર આવતાં બંને વિદ્યાર્થિનીએ લેપટોપ અને મોબાઇલ ચાર્જ કરી લીધા હતા.પાણી પણ ભરી લીધું હતું.જે તેમને ખૂબ જ કામમાં લાગ્યા હતા.નાસ્તો જેટલો હતો તેનાથી તેમણે જેમ તેમ સમય પસાર કરી લીધો હતો.
પરંતુ પુરના પાણી સતત વધી રહ્યા હતા.લાઇટો પણ ડુલ થઇ ગઇ હતી.રાત પડતાં ચારેબાજુ અંધારપટ અને વિશ્વામિત્રીના ખતરનાક વહેણને બંને વિદ્યાર્થિની જોઇ રહી હતી.તેમની હોસ્ટેલની આજુબાજુમાં જ મગરો ફરતા દેખાઇ રહ્યા હતા.મોબાઇલની બેટરી ડાઉન થતાં લેપટોપથી ચાર્જ કરી માંડમાંડ ચલાવ્યું હતું.
બંને એકલવાયી વિદ્યાર્થિનીઓ માટે ૪૮ કલાક થી વધુ સમય આવી રીતે પસાર કરવો કેટલો દુષ્કર હશે તે સમજી શકાય તેમ છે.બંને વિદ્યાર્થિની હિંમત હારી નહતી અને એક પરિચિત મારફતે મદદ માંગતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના ડ્રાઇવર કૌશિક બારોટ અને ટીમે જાનના જોખમે બંને વિદ્યાર્થિનીઓનું બોટમાં રેસ્ક્યૂ કર્યું હતું.