૧૬૧ બૂથમાં પુરુષો કરતા મહિલાના મતો ૧૦ ટકાથી ઓછા નોંધાયા છે
આજે ૧૦ ગામોમાં નુક્કડ નાટકના મંચન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ : વિદ્યાર્થીઓ શેરી નાટકો પણ કરે છે
વડોદરા,લોકસભાની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ટર્ન આઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં ગામોમાં નુક્કડ નાટક મંચન અને મહિલા મતદારો સાથે સંવાદના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ટર્ન આઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાનના નોડલ અધિકારી દ્વારા ખાસ ટીમોનું ગઠન કરાયું છે. આ ટીમો દ્વારા જે બૂથમાં પૂરૃષ કરતા મહિલાઓના મતદાનની ટકાવારીમાં દશ ટકા તફાવત છે, તેવા બૂથમાં મહિલાઓનું મતદાન વધે તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. વડોદરા જિલ્લામાં પુરૃષ કરતા મહિલા મતદારની ટકાવારીમાં ૧૦ ટકા કરતા વધુ તફાવત હોય તેવા ૧૬૧ બૂથ છે.
વડોદરા જિલ્લાના ૨૦ ગામોમાં મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી વધારે યુવા મતદારો ધરાવતા પાદરા તાલુકાના સાંઢા ગામે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ગામના વયોવૃદ્ધ ૯૫ વર્ષની મહિલાએ પણ યુવાઓ સહિત તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
તા.૧૦ના રોજ વડોદરા તાલુકાના અંકોડિયા, અનગઢ, ડભોઈના સીમળીયા, ગોજાલી, ડેસરના છાણિયેર, સાવલીના ગોઠડા પાદરાના સોખડા રાઘુ, કણઝટ અને શિનોર તાલુકાના શિનોર અને માંડવા સહિત વધુ ૧૦ ગામોમાં નુક્કડ નાટકના મંચન દ્વારા મહિલા મતદારોમાં મતદાન માટે જાગૃતિ ઊભી કરવામાં આવશે.
આમ, વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત ચૂંટણીમાં પુરૃષ કરતા મહિલા મતદારોની ટકાવારી ઓછી હોય તેવા બુથ તથા ગામોમાં એમ.એસ. યુનિ. તથા અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ અને કલાકારો દ્વારા શેરી નાટકો કરવામાં આવી રહ્યા છે.