મહીના ચારેય કૂવાના પંપો ચાલુ થતા પાણી પુરવઠાની સ્થિતિમાં સુધારો

સિંધરોટમાં રાત્રે ૧૧થી વીજ પુરવઠો ચાલુ થતા દક્ષિણ વિસ્તારને ૨૦ મિનિટ કાપ સાથે પાણી અપાયું

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
મહીના ચારેય કૂવાના પંપો ચાલુ થતા પાણી પુરવઠાની સ્થિતિમાં સુધારો 1 - image

વડોદરા,મહી નદીમાં ઘોડાપૂરને કારણે વડોદરા કોર્પોરેશનના મહી નદી સ્થિત ચારેય ફાજલપુર, રાયકા, દોડકા અને પોઇચા કૂવાના ૧૬ પંપ બંધ થતા પાણીની ગંભીર કટોકટી ઊભી થઇ હતી અને ૧૫ લાખ લોકો માટે મુશ્કેલી સર્જાઇ હતી, પરંતુ ધીમે ધીમે હવે સ્થિતિ પૂર્વવત થઇ રહી છે.

ખાસ તો સિંધરોટ ઇન્ટેકવેલ ખાતે મહીના પૂરનું લેવલ વધી જવાથી ઇન્ટેકવેલ એપરોચ રોડ પાણીમાં ડૂબી જતાં વીજ નિગમ દ્વારા તા.૧૭ની રાતથી વીજ પુરવઠો બંધ કરી દેવાતા પંપો બંધ થઇ ગયા હતા. જેથી સિંધરોટ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી પાણી ન મળતા શહેરના દક્ષિણ વિસ્તારને અસર થઇ હતી. જો કે ગઇ રાતે ૧૧ વાગે સિંધરોટ ખાતે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવતા તમામ પંપ ચાલુ થઇ ગયા છે. પૂરને લીધે પંપોમાં જામેલા કાદવને સાફ કરાયો હતો અને પેનલ સિસ્ટમ પણ ઠીકઠાક કરી હતી. પંપો ચાલુ થતા મંગળવારની સવારે દક્ષિણ વિસ્તારને ૨૦ મિનિટના કાપ સાથે ૪૦ મિનિટ પાણી અપાયું હતું. આ સિવાય મહીના ચારેય કૂવાના પંપો ચાલુ થયા છે. જો કે હજી નદીમાં પાણીનું લેવલ હોવાથી હજી પંપોને બહુ અસર ન થાય તે માટે વચ્ચે થોડો સમય બંધ કરી દેવામાં આવે છે. નદીમાં પૂરની સાથે માટી અને કાંપ ખૂબ તણાઇને આવતા શહેરમાં કોર્પો. દ્વારા અપાતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું છે. લોકોને પાણી ગાળીને અને ઊકાળીને પીવાની સલાહ અપાઇ છે. 


Google NewsGoogle News