MSUમાં પરચેઝ સહિતની મહત્વની કમિટિઓની બેઠક છેલ્લા ચાર મહિનાથી મળી નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં સિન્ડિકેટની જગ્યાએ બનાવાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સલની પહેલી બેઠક ગત સપ્તાહે સત્તાધીશોએ બોલાવી હતી પણ યુનિવર્સિટીના સંચાલનમાં મહત્વનો ભાગ ભજવતી પરચેઝ સહિતની કમિટિઓની બેઠક ચાર મહિનાથી મળી નહીં હોવાનુ જાણવા મળ્યુ છે.
કોમન એકટ લાગુ થયો તે પહેલા યુનિવર્સિટીમાં પરચેઝ, ફાઈનાન્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ, કન્સટ્રક્શન અને ઈન્વેસ્ટમેન્ટ કમિટિ જેવી કમિટિઓની બેઠકો દર મહિને એક વખત બોલાવાતી હતી.જેમાં મહત્વની દરખાસ્તો મંજૂર કરીને તેને સિન્ડિકેટમાં અંતિમ મંજૂરી માટે મુકાતી હતી.
જોકે કોમન એકટ લાગુ થયા બાદ આ કમિટિઓના ભાવિ પર સવાલો સર્જાયા છે.છેલ્લા ચાર મહિનાથી પરચેઝ સહિતની કમિટિઓની બેઠક મળી નહીં હોવાથી વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ માટે સાધનોની ખરીદી સહિતના મહત્વના પ્રસ્તાવો લટકી પડયા છે.જો ખરીદી પ્રક્રિયા હાથ નહીં ધરાય તો ઘણી ગ્રાન્ટ લેપ્સ થઈ જવાનો પણ ડર છે.આ કમિટિની જગ્યાએ બીજી વૈકલ્પિક કમિટિઓ પણ બનાવવાની હિલચાલ સત્તાધીશોએ હજી સુધી કરી નથી.બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનુ કહેવુ છે કે, કોમન એકટ લાગુ થયા બાદ પરચેઝ સહિતની કમિટિઓની જગ્યાએ કયા પ્રકારની કમિટિ બનાવવી અને તેમાં કોની નિમણૂંક કરવી તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનની રાહ જોવામાં આવી રહી છે.સાથે સાથે યુનિવર્સિટી માટે જરુરી હોય તેવી ખરીદી અને બીજી દરખાસ્તોને વાઈસ ચાન્સેલરના વિશેષાધિકારનો ઉપયોગ કરીને મંજૂરી આપવામાં આવી રહી છે.