વડોદરામાં આદર્શ આચારસંહિતાનો અમલ ઃ વાહનો જમા કરાવવા સૂચના
રાજકીય બેનર્સ ઉતારવાની સાથે દીવાલો પર કૂચડા મારવાનું શરૃ ઃ તા.૧૨ એપ્રિલથી ઉમેદવારીપત્રો ભરવાની શરૃઆત
વડોદરા, તા.16 ચૂંટણીપંચ દ્વારા સમગ્ર દેશમાં ૧૮મી લોકસભા રચવા ચૂંટણી યોજવાની જાહેરાત આજે કરાતા જ વડોદરા જિલ્લા ચૂંટણીતંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. ચૂંટણીની ઘોષણા સાથે જ વડોદરા શહેર-જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૃ કરી દેવામાં આવ્યો છે. સરકારી તેમજ જાહેર સંસ્થાઓને ફાળવાયેલા વાહનો તમામ પદાધિકારીઓને જમા કરાવી દેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શહેર તેમજ જિલ્લામાં લગાવવામાં આવેલા રાજકીય બેનર્સ-હોડિંગ્સ ઉતારવાનીકામગીરી શરૃ કરવાની સાથે જાહેર સ્થળોએ રાજકીય જાહેરાતો પર કૂચડા મારવાનું પણ શરૃ કરી દેવાયું છે.
ચૂંટણીમાં વધુમા વધુ મતદાનના પ્રયાસો હાથ ધરવામાં આવશે ઉમેદવારોના ચૂંટણી ખર્ચના મોનિટરિંગની કામગીરી તા.૧૨ એપ્રિલ વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી યોજવાના જાહેરનામાના પ્રસિધ્ધિની સાથે શરૃ થશે તેમ જણાવી વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ ક્લેક્ટર બી.એ. શાહે જણાવ્યુ હતુ કે વડોદરા સહિત રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે તા.૭ મેના રોજ મતદાન રાખવામાં આવ્યુ છે. તા.૧૨ એપ્રિલના રોજ જાહેરનામાની પ્રસિધ્ધિ સાથે ઉમેદવારી પત્રો સ્વીકારવાનું શરૃ કરાશે. ઉેમેદવારોને તા.૫મેની સાંજે પાંચ વાગે પ્રચારની સમયમર્યાદા પૂરી થતા સુધી, ચૂંટણી પ્રચાર કરવાની તક મળશે.
વડોદરા જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકો પર ચુંટણીઓ યોજવા અને મતદાન કરાવવા માટે ૧૫ હજારથી વધુ કમૅચારીઓની સેવા લેવાશે. કાયદો-વ્યવસ્થા જાળવવા અને મુક્ત,ન્યાયી, નિર્ભય મતદાનની સુવિદ્યા આપવા માટે શહેર-જિલ્લા પોલીસતંત્રના સહયોગથી બંદોબસ્ત ગોઠવવાની પુર્વ ક્વાયત કરી લેવામાં આવીછે. સંવેદનશીલ વિસ્તારોની ઓળખ, સંવેદનશીલતાના કારણો, જવાબદાર વ્યક્તિઓ તેમજ ક્રિટિકલ પેરામીટર્સનું વિશ્લેષણ કરી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારોને આ વખતે ચૂંટણીમાં રૃા.૯૫ લાખનો ખર્ચ કરવાની મર્યાદા રાખવામાં આવી છે.