વડોદરામાં કેટલ એક્ટનો અમલ શરૂ : કોર્પોરેશને ગેરકાયદે બાર ઢોરવાડાને નોટિસ આપી, 600 કિલો ઘાસ જપ્ત

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
વડોદરામાં કેટલ એક્ટનો અમલ શરૂ : કોર્પોરેશને ગેરકાયદે બાર ઢોરવાડાને નોટિસ આપી, 600 કિલો ઘાસ જપ્ત 1 - image

વડોદરા,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા માટે કેટલ એક્ટનો અમલ શરૂ કર્યો છે જેના ભાગરૂપે ફતેગંજ વિસ્તારમાં બાર ગૌપાલકોને ઢોરવાડા બંધ કરવા નોટિસ આપી છે. તેની સાથે સાથે વડોદરા શહેરમાં ઢોરોને ઘાસચારો વેચનાર પથારાવાળા પાસેથી 600 કિલો ઘાસ જપ્ત કર્યું છે.

 વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ અટકાવવા કેટલ એક્ટને કોર્પોરેશનની સામાન્ય સભાએ કેટલાક ફેરફારો સાથે મંજૂર કર્યો છે. તે બાદ તેના કડક અમલ માટે પણ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલને સૂચના આપી હતી. તે આધારે વડોદરા શહેરમાં ગેરકાયદે બાંધી દેવામાં આવેલા ઢોરવાડા બંધ કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઢોર પાર્ટીએ ફતેગંજ વિસ્તારમાં આવેલા બાર ઢોરવાડાને નોટીસ આપી બંધ કરવા ગૌપાલકોને જણાવ્યું છે. 

 એ જ રીતે કોર્પોરેશનની દબાણ શાખા અને ઢોર પાર્ટી એ વડોદરા શહેરમાં ખાસ કરીને મંદિરોની આસપાસ ગાયોને ઘાસ ખવડાવવા માટે વેચાણ કરતા પથારાવાળાઓને ઘાસનું વેચાણ કરતા અટકાવવામાં આવ્યા હતા અને વડોદરા શહેરમાં 17 જગ્યાએથી પથારાવાળાઓ પાસેથી 600 કિલો ઘાસ જપ્ત કર્યું હતું.


Google NewsGoogle News