Get The App

જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતરતા સિવિલમાં આરોગ્યની સેવાને અસર

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
જુનિયર ડોક્ટર્સ હડતાલ પર ઉતરતા સિવિલમાં આરોગ્યની સેવાને અસર 1 - image


કોલકત્તામાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના બનાવનો ઘેરા પ્રત્યાઘાતો

મેડિકલ કોલેજ બહાર ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ સેફ્ટી નહીં તો ડયુટી નહીં..ના દેખાવો કર્યા : ઓપીડીથી ઓટી સુધી દર્દીઓ હેરાન થયા

ગાંધીનગર :  કોલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર બાદ હત્યાનો કિસ્સો સામે આવ્યો ત્યારથી લોકો આરોપીઓ સામે ફિટકાર વર્સાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે સમગ્ર ભારતમાં તેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે તેવી સ્થિતિમાં ગુજરાતના ગાંધીનગરમાં પણ જુનિયર ડોક્ટર્સ દ્વારા સરકારની નીતિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સેફ્ટી નહીં તો ડયુટી નહીં જેવા સુત્રોચ્ચારો સાથે આજે મેડિકલ કોલેજ બહાર દેખાવો કર્યા હતા એટલુ જ નહીં, આજથી અચોક્કસ મુદ્દત સુધીની હડતાલ ઉપર ઉતરી જતા સિવિલમાં આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ છે. ઓપીડીથી ઓટી સુધી દર્દીઓ હેરાન થઇ રહ્યા છે.

ભગવાનનો અવતાર માનવામાં આવે છે તે ડોક્ટરો પણ હવે સુરક્ષીત નથી કોલકત્તામાં મહિલા ડોક્ટર ઉપર બળાત્કાર અને ત્યાર બાદ હત્યાનો બનાવ બન્યો છે જેના પગલે સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ગુજરાતની મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો, સુત્રોચ્ચારો અને હડતાલનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી હસ્તકની ગાંધીનગર મેડિકલ કોલેજના જેઆર,એઅ આર સહિતના તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્ન દ્વારા આજે કોલેજ બહાર દેખાવો કર્યા હતા ૨૦૦થી વધુ જુનિયર ડોક્ટર્સે સિવિલના આંતરિક માર્ગ ઉપર રેલી કાઢીને લોકોને પણ આ બાબતે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો તો બીજીબાજુ સેફ્ટી નહીં તો ડયુટી નહીં ના સુત્ર સાથે આ જુનિયર ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. એટલુ જ નહીં, આ બાબતે તેમણે ગાંધીનગર મેડિકલ કોલેજના ડિન તથા સિવિલના સુપ્રિટેન્ડેન્ટને પણ આવેદનપત્ર આપ્યું છે અને જરૃરી સુરક્ષા-સલામતી વ્યવસ્થા કરવા માટે માંગણી કરી છે.

એટલુ જ નહીં, આ જુનિયર ડોક્ટર્સ હડતાલ ઉપર ઉતરી જતા સિવિલ હોસ્પિટલમાં પણ આરોગ્યની સેવાને અસર પડી છે. ઓપીડી, વોર્ડ, ઓટી, લેબોરેટરી સહિતના તમામ વિભાગોમાં જુનિયર ડોક્ટર્સ નહીં હોવાને કારણે તબીબી શિક્ષકોની કામગીરી વધી ગઇ હતી. તો બીજીબાજુ દર્દીઓને પણ આ જુનિયર ડોક્ટરર્સ હડતાલ ઉપર ઉતરતા હેરાન થવાનો વારો આવ્યો હતો. ગાંધીનગરના જુનિયર ડોક્ટર એસો. દ્વારા આ હડતાલની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નજીકના ભવિષ્યમાં કોલકત્તાના આ કિસ્સા અંગે કોઇ ઠોસ અને કડક પગલાં લેવામાં નહીં આવે તો હડતાલ યથાવત્ રહેશે તેમ પણ એસો.ના આગેવાનોએ જણાવ્યું હતું.

ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન દ્વારા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં નહીં રહેવા,સાવચેતી રાખવા પરિપત્ર

હોસ્ટેલ-હોસ્પિટલમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિની અવર-જવર જણાય તો અધિકારી અથવા અભયમ્ હેલ્પ લાઇનનો સંપર્ક કરવા સુચન

ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં વિદ્યાર્થીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવા અને ફરજ દરમ્યાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા જરૃરી છે તેમ કહેવામાં આવ્યું છે. ઉપરાંત રાત્રીના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને જરૃરી હોય તો અન્ય એક-બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.

તો હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઇ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવર-જવર જણાય તો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારીને કે નજીકની વ્યક્તિને અથવા તો અભયમ હેલ્પલાઇન ૧૮૧ ઉપર જાણ કરવા પણ સુચન કરવામાં આવ્યું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને વિદ્યાર્થિની તથા મહિલા ડોક્ટરો સાથે કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સાવચેતી રાખવા પણ ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 


Google NewsGoogle News