નવલખી સહિતના તળાવોમાં 31000 થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન,છેલ્લું વિસર્જન સવારે 6.30 વાગે થયું
વડોદરાઃ વડોદરામાં ધામધૂમ પૂર્વક ઉજવાયેલા ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન ૩૧ હજાર થી વધુ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.પોલીસે તમામ વ્યવસ્થા સંભાળી લેતાં વિસર્જનકાર્ય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.
વડોદરોમાં ગણેશોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે.લોકો ઘરોમાં તેમજ શેરી,મહોલ્લા,સોસાયટીઓમાં ગણેશજીની પ્રતિમા સ્થાપના કરતા હોય છે. ગણેશજીની સ્થાપના કરેલી પ્રતિમાઓનું દોઢ, ત્રણ,પાંચ,સાત કે દસમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે.
આ વખતે પોલીસ વિભાગે વિસર્જન વ્યવસ્થા સંભાળી હતી અને ઇદ તેમજ વિસર્જન એક દિવસના અંતરે આવતું હોવાથી કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી હતી.
પોલીસ દ્વારા કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને વિસર્જન વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્રણ કૃત્રિમ તળાવો વધારીને આઠ તળોવો કરવામાં આવ્યા હતા.શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા મહોલ્લા મીટિંગો પણ કરવામાં આવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,દસ દિવસ દરમિયાન જુદાજુદા તળાવોમાં કુલ ૩૧ હજાર થી વધુ નાની,મધ્યમ અને મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.
ફાયર બ્રિગેડ દ્વારા તમામ તળાવો પર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને તમામ મૂર્તિઓનું વિસર્જન થઇ ગયા બાદ ફાયર બ્રિગેડના મુખ્ય કંટ્રોલરૃમ ખાતે સ્થાપિત કરાયેલી શ્રીજીની પ્રતિમાનું સવારે ૬.૩૦ વાગે નવલખીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.