વડોદરામાં રાયકા ફ્રેન્ચ કુવાની લાઈનમાં મોડી રાત્રે ભંગાણ થતા તાત્કાલિક રીપેરીંગ કરાયું

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
વડોદરામાં રાયકા ફ્રેન્ચ કુવાની લાઈનમાં મોડી રાત્રે ભંગાણ થતા તાત્કાલિક રીપેરીંગ કરાયું 1 - image


- રીપેરીંગને લીધે લાઈનમાં એર ભરાતા એર રિલીઝ કરવા અને લાઈન ચાર્જ કરવા એર વાલ્વ ખોલતા હજારો લિટર પાણી વેડફાયુ

- કાલાઘોડા બ્રિજ પાસે પાણીની રેલમછેલ

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના મહી નદી સ્થિત ચાર કુવા પૈકી રાયકા કુવાની 36 ઇંચ ડાયામીટરની વડોદરા તરફ પાણી લાવતી લાઈનમાં ગઈ રાત્રે ભંગાણ થયું હતું. જેનું તાત્કાલિક રીપેરીંગ હાથ ધરાયું હતું. આ રીપેરીંગ વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું. લાઈન રીપેરીંગના કારણે લાઈન ખાલી થતા લાઈનમાં એરનો ભરાવો થતા એર રિલીઝ કરવા અને લાઇન ચાર્જ કરવા કાલાઘોડા બ્રિજ પાસે આજે સવારે એર વાલ્વ ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે પાણીનો ધોધ વછૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને રોડ પર પાણી વહેતા થયા હતા. આ એર વાલ્વ આશરે 20 મિનિટ સુધી ખુલ્લો રાખવો પડ્યો હતો. જેના કારણે પાણીની રેલમ છેલ થઈ હતી.

કોર્પોરેશન દ્વારા આમ પણ લાલબાગ ટાંકી ખાતે અંડરગ્રાઉન્ડ વોટર સંપને ઇન્ટર કનેક્ટ કરવા તારીખ 26 ના રોજ સવારે 9:00 વાગ્યે રીપેરીંગની કામગીરી હાથ ધરવાની હતી, અને જેના કારણે માંજલપુર, લાલબાગ, દંતેશ્વર ગામ વગેરે વિસ્તારને સવારે પાણી મળવાની તકલીફ થવાની હતી. જે દરમિયાન આ કામગીરીની સાથે સાથે ગઈ રાત્રે રાયકા લાઈનનું પણ લીકેજ થતાં તેનું રીપેરીંગ કરવાની ફરજ પડી હતી. આજે લાલબાગ ટાંકી ખાતે ઇન્ટર કનેક્ટ કરવાની કામગીરી હાથ ન ધરાઈ હોત તો પણ સવારે વિસ્તારમાં પાણીની તકલીફ રાયકાની લાઈનમાં લીકેજ થવાના કારણે પડવાની જ હતી.


Google NewsGoogle News