વડોદરામાં સૌથી મોટા કૃત્રિમ તળાવની તાડપત્રી ફાટી જતા તાત્કાલિક બદલવા કાર્યવાહી
વડોદરા,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર
ગણેશોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીજીમૂર્તિ વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે ત્યારે અકોટા દાંડિયા બજાર વિસ્તારના સૌથી મોટા કૃત્રિમ તળાવની તાડપત્રી ફાટી ગઈ હોવાથી તાત્કાલિક ધોરણે બદલવાની કામગીરી હાથ ધરાઈ છે. બે દિવસ બાદ આ કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની કામગીરી શરૂ થશે તેમ નવી સ્ટેન્ડિંગ કમિટીના મહિલા સભ્યએ જણાવ્યું છે. નવા મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેન સહિત કમિટીના સભ્યોની પણ નિમણૂક થઈ ગઈ છે ત્યારે નવી કમિટીના સ્ટે.મહિલા સભ્ય જાગૃતિ કાકા પ્રથમ દિવસથી જ એક્શન મોડમાં આવી ગયા હતા. વોર્ડ નં.13માં દાંડિયા બજાર વિસ્તારનું કૃત્રિમ તળાવ શહેરના અન્ય કૃત્રિમ તળાવો પૈકી સૌથી મોટું છે. તેમણે આ તળાવની મુલાકાત લીધી હતી.આગામી ગણેશોત્સવ પર્વ નિમિત્તે શ્રીજી ભક્તો પોતાના ઘરે 3, 5, 7 દિવસ માટે શ્રીજી મૂર્તિની સ્થાપના પોતાના ઘરે કરે છે અને ત્યારબાદ આ શ્રીજી મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરે છે પરંતુ કેટલાક શ્રીજી ભક્તો શ્રીજી મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવા ઈચ્છતા હોય છે.
આ અંગે શહેરના અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નં.13 ખાતે આવેલા કૃત્રિમ તળાવની મુલાકાત સ્ટેન્ડિંગ કમિટીના નવા નીમાયેલા મહિલા સભ્યએ લીધી હતી. આ દરમિયાન આ કૃત્રિમ તળાવની તાડપત્રી ફાટી ગઈ હોવાનું જણાયું હતું જેથી તેમણે તાત્કાલિક ધોરણે તાડપત્રી બદલવા સૂચના આપી હતી અને તાડપત્રી બદલાઈ ગયા બાદ બે દિવસની અંદર આ કૃત્રિમ તળાવમાં પાણી ભરાઈ જતા ભક્તો શ્રીજી મૂર્તિનું વિસર્જન પણ કરી શકશે.