ગેરકાયદે વાહનો શહેરના એન્ટ્રી પોઇન્ટ પરથી અદ્રશ્ય થઇ ગયા
ટ્રાન્સપોર્ટેશનની અપૂરતી સુવિધાના કારણે મુસાફરોને ગરમીમાં શેકાવું પડયું
વડોદરા,ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો એકાએક અદ્રશ્ય થઇ ગયા છે. શહેરના એન્ટ્રી પોઇન્ટ પર અડિંગો જમાવીને બેસી રહેતા વાહનો બ્રિજ નીચે પાર્ક થયેલા જોવા મળ્યા હતા. જોકે, ગેરકાયદે વાહનો થોડા સમય સુધી જ બંધ રહેશે. ત્યારબાદ ફરીથી દોડતા થઇ જશે.
શહેર પોલીસ અને આર.ટી.ઓ. ની રહેમ નજર હેઠળ પ્રાઇવેટ પાસિંગના વાહનોમાં ખુલ્લેઆમ ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી થાય છે. વધુ નફો કમાવવાની લાલચે વાહન ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકે છે. ટ્રાન્સપોર્ટેેશનની વ્યવસ્થા પૂરી પાડવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે લોકો પણ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જોખમી સવારીનો ઉપયોગ કરવા માટે મજબૂર છે. આજે સૌથી વધારે મુસાફરોની ભીડ ગોલ્ડન ચોકડી પાસે નજરે પડતી હતી.નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતના પગલે માત્ર અમિત નગર સર્કલ પરથી દોડતા વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. જ્યારે શહેરના અન્ય એન્ટ્રી પોઇન્ટ પર ગેરકાયદે વાહનો દોડતા જ હતા. પરંતુ, આજે તે વાહનો પણ દોડતા બંધ થઇ ગયા હતા.
શહેરમાં પ્રવેશ માટે પ્રતિબંધિત છકડાઓ આજે હાઇવેના બ્રિજ નીચે છાંયડામાં પાર્ક થયેલા દેખાતા હતા. ડભોઇ રોડ, સોમા તળાવ, એરપોર્ટ સર્કલ, ગોલ્ડન ચોકડી વગેરે સ્થળેથી ઉપડતા વાહનો બંધ થઇ ગયા હતા. જેની પાછળ એવું ચર્ચાઇ રહ્યું છે કે, પોતાની ચાદર બચાવવા માટે ગેરકાયદે વાહનો પાસેથી હપ્તા ઉઘરાવતા દલાલો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ગેરકાયદે વાહન ચાલકોને મેસેજ મળી જતા તેઓ પણ આજે સવારથી જ ફરક્યા નહતા.
જો ફરીથી ગેરકાયદે વાહનો દોડતા થયા તો અમે જાતે સક્રિય થઇશું
વડોદરા,શહેરમાંથી ઉપડતા ગેરકાયદે વાહનો મોટા અકસ્માત પછી કાયમ દોડતા બંધ થઇ જાય છે. પરંતુ, થોડા સમય પછી ફરીથી તે વાહનો દોડતા થઇ જતા હોય છે. જો આવા વાહનો ફરીથી દોડતા થશે તો અમે જાતે જ આવા વાહનો બંધ કરાવવા સક્રિય થઇશું. તેવું એક સામાજિક કાર્યકરે જણાવ્યું છે. મુસાફરોના જીવને જોખમમાં મૂકતા વાહન ચાલકો સામે કડક કાર્યવારી થાય અને આવા વાહનો ફરીથી દોડતા ના થાય તે માટે કડક કાર્યવાહી કરવાની માંગણી સામાજીક કાર્યકરે કરી છે.
ફિટનેસ સર્ટિફિકેટ, ટેક્સી પાસિંગના નિયમોનું કડક પાલન કરાવવું જોઇએ
વડોદરા,રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખાનગી વાહનોમાં મુસાફરોની સવારીને માન્ય કરવામાં આવી છે. પરંતુ, આવા વાહનો માટે કેટલાક નિયમો છે.જેવાકે, વાહનનું રજીસ્ટ્રેશન ફરજીયાત ટેક્સી પાસિંગનું હોવું જોઇએ.નિયત મર્યાદામાં મુસાફરોને બેસાડવા. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જોઇએ. આવા વાહનો માટે અલગ બસ સ્ટેન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેના કારણે મુસાફરોને તકલીફ ના પડે. અહીંયા પણ શટલમાં દોડતા ખાનગી વાહનો માટે પણ કેટલાક નિયમો બનાવી તેને કડક પાલન કરાવવામાં આવે તો ઘણા જોખમ ટળી જાય.