શહેરમાં ફરીથી ગેરકાયદે વાહનો દોડતા થઇ ગયા : પોલીસે આંખો બંધ કરી દીધી
ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે સવારે ચાર લક્ઝરી બસો મુસાફરોને બેસાડતી નજરે પડી
વડોદરા,નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા. ત્યારબાદ શહેરમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો એકદમ અદ્રશ્ય થઇ ગયા હતા. ત્રણ દિવસ સુધી શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પરથી અદ્રશ્ય થઇ ગયેલા ખાનગી વાહનો ફરીથી દોડતા થઇ ગયા છે. ટ્રાફિક પોલીસે પણ પોતાની આંખો બંધ કરી દીધી છે.
નવ દિવસ પહેલા નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર વાહન અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા. તેના પગલે ગભરાયેલા ગેરકાયદે વાહનોના માલિકોએ અમિત નગર પાસે પોતાના વાહનો ઉભા રાખવાનું બંધ કરી દીધું હતું. પરંતુ, શહેરના અન્ય એન્ટ્રી પોઇન્ટ પરથી વાહનો દોડતા જ હતા. જાગૃત નાગરિકોએ આ અંગે ઘોર નિંદ્રામાં પોઢી ગયેલી ટ્રાફિક પોલીસને જાગૃત કરતા પોલીસે કડક વલણ અપનાવીને તમામ એન્ટ્રી પોઇન્ટ પરથી દોડતા વાહનો બંધ કરાવી દીધા હતા.
અકસ્માતમાં મોતને ભેટનાર મુસાફરોની અંતિમ વિધિ પણ હજી પૂરી થઇ નહીં હોય ત્યાં ફરીથી શહેરના એન્ટ્રી પોઇન્ટ પરથી ગેરકાયદે દોડતા વાહનો ફરીથી શરૃ થઇ ગયા છે. ડભોઇ રોડ સોમા તળાવ પાસે જીતુ અને પટેલ નામના એજન્ટો ફરીથી સક્રિય થઇ ગયા હોય તેમ સવારે ચાર લક્ઝરી બસો રોડ પર ઉભી રહી ગઇ હતી. નસવાડી, રાજપીપળા, ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર સુધી દોડતી લક્ઝરી બસો ફરીથી દોડતી થઇ ગઇ છે. આ સ્થળે ટ્રાફિર પોલીસનો કાયમી પોઇન્ટ છે. તેમછતાંય આ લક્ઝરી બસો પ્રત્યે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રાફિક પોલીસે ગેરકાયદે દોડતા વાહનો સામે ફરીથી આંખો બંધ કરી દીધી છે.