વડોદરા-અમદાવાદવચ્ચે 100 ખાનગી વાહનોની મોતની ફેરી,વાહન દીઠ 5 થી 7 હજારનો હપ્તોઃ ઠાંસોઠાંસ ભરાતા મુસાફરો
symbolic |
વડોદરામાં અમિત નગર સર્કલ અને સમા વિસ્તારમાંથી ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરોની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવતી હોય છે.જ્યારે સામે પક્ષે સીટીએમ અને અન્ય સ્થળેથી પેસેન્જરોને વડોદરા લાવવામાં આવે છે.
પરંતુ ખાનગી વાહનોની હેરાફેરી માટે પોલીસ,આરટીઓ સહિતના વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય છે. જેને કારણે ખાનગી વાહનોની રીતસરની કતાર જામતી હોય છે અને પેસેન્જરો પણ રૃ.૧૦૦ થી ૧૩૦નું ભાડું ચૂકવી જલ્દી પહોંચવા માટે ખાનગી વાહનો શોધવા મજબૂર થતા હોય છે.વાહનચાલકો પ કે ૭ની ક્ષમતા હોવા છતાં ૮ થી ૧૦ પેસેન્જરોને ઠાંસીઠાંસીને બેસાડીને લઇ જતા હોય છે.
એક અંદાજ મુજબ અમદાવાદ અને વડોદરા વચ્ચે ૧૦૦ થી વધુ ખાનગી વાહનો મુસાફરોની હેરાફેરી કરી રહ્યા છે.આ વાહનો પર તંત્રની મીઠી નજર હોય છે અને વાહનદીઠ રૃ.૫ થી ૭ હજારનો હપ્તો ચૂકવવામાં આવતો હોવાની પણ વિગતો જાણવા મળી છે.જેથી આજે અકસ્માતના બનાવમાં માર્યા ગયેલા ૧૦ લોકોના મોત માટે જવાબદાર કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે.
વાહન ચાલકો રોજ અમદાવાદ-વડોદરા વચ્ચે ત્રણ-ત્રણ ફેરા મારે છે
વડોદરા-અમદાવાદ વચ્ચે ખાનગી મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો રૃપિયા કમાવવા માટે જોખમી ડ્રાઇવિંગ કરતા જોવા મળે છે.
કેટલાક વાહનો વડોદરા-અમદાવાદ વચ્ચે ત્રણ-ત્રણ ફેરી મારતા હોવાની માહિતી મળી છે.વળી તેઓ વધુને વધુ મુસાફરોને લાવવા લઇ જવા માટે ફુલસ્પીડે વાહનો ચલાવતા હોય છે.
અનેક વાહનચાલકો અને રાહદારીઓ આવા ફેરી મારતા વાહનોથી પરેશાન પણ થઇ રહ્યા છે.તેઓ ક્ષમતા કરતાં વધુ મુસાફરોને બેસાડી ૧૧૦ કે તેથી પણ વધુ સ્પીડે વાહનો હંકારતા હોય છે.
સરકારી બસનું સ્ટોપેજ કાયમી ધોરણે બંધ કરાવી દેતાં ખાનગી વાહનોને ફાવટ
અમિતનગર સર્કલ પાસે છ વર્ષ પહેલાં સરકારી બસની અડફેટે આવેલી સ્કૂલની વિદ્યાર્થિનીના મોતના બનાવ બાદ સરકારી બસો માટે કાયમી ધોરણે બસનું સ્ટોપેજ બંધ કરાવી દેવામાં આવ્યું છે.
અમિત નગર સર્કલ પાસેથી સરકારી બસમાં અમદાવાદ જવું હોય તો મુસાફરે સમા તળાવ પાસેના બસસ્ટેન્ડે પહોંચવું પડે છે.અમિત નગર સર્કલ પાસે આજે પણ સરકારી બસ માટે પેસેન્જરો લેવાનું સ્ટોપેજ નથી.
પરંતુ તેનો સીધો ફાયદો ખાનગી વાહનો લઇ રહ્યા છે અને મુસાફરો પાસે મન ફાવે તે રીતે ભાડું વસૂલી અસુરક્ષિત મુસાફરી કરાવી રહ્યા છે.નવાઇની વાત એ છે કે,અમિતનગર સર્કલ પાસે ખાનગી લક્ઝરી બસો સ્ટોપેજ કરી રહી છે.તેમની ટ્રાવેલ ઓફિસો પણ ત્યાં આવેલી છે.પરંતુ તંત્ર દ્વારા તેમની સામે કોઇ પગલાં લેવામાં આવતા નથી.
કારમાં 10 પેસેન્જરોના મોતના બનાવ બાદ ખાનગી વાહનો અદ્શ્ય
અમિતનગર ખાતેથી પેસેન્જરોને લઇને નીકળેલી કારને નડિયાદ પાસે એક્સિડેન્ટ થતાં ૧૦ના મોત થયા હતા.જે બનાવ બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ ખાનગી વાહનોની કતારો લાગતી હતી તેવા સ્થળોએ સૂનકાર વ્યાપ્યો હતો.
તો બીજીતરફ ખાનગી વાહનચાલકો ટેક્સી પાસિંગ વગરની કારમાં પેસેન્જરોની ગેરકાયદે હેરાફેરી કરીને આરટીઓને પણ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.નોંધપાત્ર બાબત એ છે કે,આવા વાહનોના ડ્રાઇવર,માલિક અને પેસેન્જરોના આધારકાર્ડની તપાસ કરીને મેમા આપવામાં આવે તો ગેરકાયદે હેરાફેરી બંધ થાય તેમ છે.