મહી નદીમાં રેતીનું ગેરકાયદે ખનન ઃ ૯ નાવડી જપ્ત કરાઇ
સાવલીના વાકાનેર ખાતે દરોડાની માહિતી લીક થઇ જતા મહી નદીમાંથી નાવડીઓ અને રેતીખનનો સામાન હટાવી દેવાયો
વડોદરા, તા.27 મહી નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ચાલતું હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર દ્વારા આખરે કાર્યવાહી હાથ ધરી મહી નદીના સામેના કિનારામાં ખેરડા તેમજ ખાનપુરમાં ૯ નાવડીઓ જપ્ત કરી હતી જ્યારે સાવલી તાલુકાના વાંકાનેર ખાતે આજે દરોડાની માહિતી લીક થતાં રેતી માફિયાઓએ નાવડી સહિતનો સામાન મહી નદીમાંથી હટાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે મહી નદીમાં આણંદ જિલ્લાની હદમાં ખેરડા તેમજ ખાનપુર ખાતે મોટાપાયે રેતીખનન ચાલતું હોવાની ફરિયાદ છેક ગાંધીનગર સુધી ગયા બાદ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતાં. ખાણખનિજ વિભાગ દ્વારા દરોડો પાડીને મહી નદીમાંથી ગેરકાયદે રેતીખનન કરતી નવ નાવડીઓને જપ્ત કરી દેવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નદીમાં જે લિઝ વિસ્તાર મંજૂર થયો હતો તે વિસ્તારની બહાર રેતી માફિયાઓ દ્વારા રેતીખનન થતું હતું. જપ્ત કરાયેલી નાવડીઓના માલિકો તેમજ લિઝધારકોને હવે દંડ ફટકારવામાં આવશે.
જ્યારે વડોદરા જિલ્લાની હદમાં સાવલી તાલુકાના વાંકાનેર ખાતે મહી નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનન પર ખાણખનિજ વિભાગની રેડ પડવાની છે તેવી માહિતી લીક થઇ જતાં આજે નદીમાંથી નાવડીઓ તેમજ અન્ય સામાન રેતીમાફિયાઓ દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો જો કે આખો દિવસ ખાણખનિજખાતા દ્વારા કોઇ કાર્યવાહી હાથ નહી ધરાતા આખરે માફિયાઓ દ્વારા રાત્રે ફરી નાવડીઓ નદીમાં ઉતારવાનું શરૃ કરી દેવામાં આવ્યું હતું.
સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન થાય છે તેવી ફરિયાદો છેક ગાંધીનગર સુધી કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા રેતીમાફિયાઓ સામે કડક વલણ અપનાવાતું નથી. થોડા દિવસો પહેલાં ખાણખનિજના એક બાતમીદાર પર રેતી માફિયાઓ દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો જે અંગે પોલીસ ફરિયાદ થઇ હતી.