મહી નદીમાં રેતીખનન માટે માફિયાઓ બેફામ ઃ બે કરોડનો મુદ્દામાલ જપ્ત
સાત ડમ્પરો, ટ્રેક્ટર, લોડર સહિતનો મુદ્દામાલ ભાદરવા પોલીસ સ્ટેશનમાં જમા ઃ લાખોના દંડની કાર્યવાહી
વડોદરા, તા.5 સાવલી તાલુકાના ભાદરવા અને પોઇચા પંથકમાં આવેલા ગામો પાસેથી પસાર થતી મહી નદીમાં હાલ પ્રતિબંધ હોવા છતાં મોટાપાયે રેતીખનન થતાં ખાણખનિજખાતાએ દરોડો પાડીને આશરે રૃા.૨ કરોડના વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે હાલ ચોમાસાની ઋતુને પગલે નદીઓમાં નવા નીર આવતા હોવાથી રેતીખનન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તેમ છતાં રેતી માફિયાઓ નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચતા હોવાની વિગતો બહાર આવી છે. સાવલી તાલુકાના ઝાલમપુર પાસેથી પસાર થતી મહી નદીમાં મોટાપાયે રેતીખનન થાય છે તેવી માહિતીના આધારે ખાણખનિજખાતાના ફ્લાઇંગ સ્ક્વોડ, વડોદરા અને આણંદ જિલ્લાના અધિકારીઓ દ્વારા ગઇરાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન નદીમાંથી ખુલ્લેઆમ રેતીખનન થતું જણાયું હતું. જો કે રેતી માફિયાઓમાં ભાગદોડ મચી ગઇ હતી. પરંતુ ખાણખનિજ વિભાગ દ્વારા સાત ડમ્પરો, એક ટ્રેક્ટર, રેતી ભરવા માટેનું એક હિટાચી મશીન તેમજ એક લોડર મળી આશરે રૃા.૨ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદે રેતીખનનમાં જપ્ત કરેલા સાધનો અને વાહનો ભાદરવા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી બાદ હવે દંડની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.