મહીસાગર નદીના પટમાં રેતી અને પથ્થરોનું ગેરકાયદે ખનન
ખેડામાં સેવાલિયાથી જેશાપુરા સુધીના
ખાણ-ખનીજ વિભાગના આંખ આડા કાન ઃ તંત્રએ ફરિયાદો ન સાંભળતા અગાઉ જેશાપુરામાં જનતા રેડ કરવી પડી હતી
ખેડા જિલ્લામાં રાણિયા વિસ્તારથી સેવાલીયા સુધી રૂસ્તમપુરા, ગળતેશ્વર, વામાલી, અકલાચા, ભદ્રાસા, કોટલીંડોરા, જેશાપુરા, નવાપુરા, ચીતલાવ, સરદારપુરા ગામોમાં બેરોકટોક ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં માટી અને પથ્થરના ડુંગરો નામશેષ થઈ રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહી છે. સેવાલીયામાં નદીના પટમાં ગેરકાયદે ખનનના કારણે મોટા ભૂવા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઉચ્ચકક્ષાએથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મહીસાગર નદીના પટમાં ખનન માફિયાઓએ ભેખડો તોડી નીચો કરી દીધો છે. હવે જ્યારે કડાણા ડેમનું પાણી છોડવામાં આવે છે, ત્યારે છાસવારે પાણી આવી જતાં અમારે ઘર ખાલી કરીને જવું પડે છે. અમારી જમીનો પણ ધોવાણમાં જતી રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ કોઈ અધિકારીઓ ફરિયાદો ન સાંભળતા હોવાથી જેશાપુરામાં જનતા રેડ કરવી પડી હોવાનું જણાવ્યું હતું.
ચોક્કસ નામ આપો તો કાર્યવાહી કરાવીશું : નડિયાદ રોયલ્ટી અધિકારી
આ અંગે નડિયાદ રોયલ્ટી અધિકારી ડી.એન. પવૈયાએ જણાવ્યું હતું કે, ચોક્કસ ક્વૉરીના નામ આપો અને જગ્યા બતાવો તો મારા રોયલ્ટી ઈન્સપેક્ટરને મોકલી કાર્યવાહી કરાવીશું. જ્યારે ખાણ-ખનીજ વિભાગના ઈન્સ્પેક્ટર કરણ સોનીનો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડયો ન હતો.