નર્મદા નદીમાં ગેરકાયદે ખનન : ફ્લાઈંગ સ્કોડે દરોડો પાડતા રેતી માફિયાઓ સાધનો લઈને ભાગી ગયા
image : Filephoto
Vadodara News : વડોદરાના કરજણ તાલુકાના બકાપુરા ગામની સીમમાં આવેલી નર્મદા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન થાય છે તેવી બાતમીના આધારે ખાણ ખનીજના ફ્લાઈંગ સ્કોડ દ્વારા તા.17ના રોજ બપોરે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ વખતે નદીમાં રેતીનું ખનન કરતા માફિયાઓએ ખાણ ખનીજના અધિકારીઓને અટકાવી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી અને બાદમાં રેતી માફિયાઓ રેતી ખનનમાં ઉપયોગમાં લેવાતા છ એકસેવેટર મશીન, બાર્જ નાવડી, આઠ યાત્રિક નાવડિયો લઈને નદીના સામે કાંઠે ભાગી ગયા હતા. આ બનાવ અંગે ફ્લાઈગ સ્કોડના સુરતમાં ફરજ બજાવતા હિતેશ જયંતીભાઈ પટેલે અંકિત સાબરપરા, જયદસિંહ હિતેન્દ્રસિંહ રાજ અને યોગેશ માલાણી સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.