મહી નદીમાં ગેરકાયદે માઇનિંગ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
ત્રણ એસ્કેવેટર મશીન, ગ્રેવલ ભરેલું એક ડમ્પર કબજે કરાયું
, તા.6 વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા કનોડા પાસેની મહી નદીમાં ખાણખનિજખાતાની ટીમે આજે સવારે ત્રાટકીને નદીમાંથી થતું બિનઅધિકૃત ખનન ઝડપી પાડી ત્રણ એસ્કેવેટર અને એક ગ્રેવલ ભરેલું ડમ્પર સહિત એક કરોડ કરતા વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહી નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન થાય છે તેવી અગાઉ ફરિયાદો ઉઠી હતી જેના પગલે ખાણખનિજખાતાની ટીમો વારંવાર ત્રાટકતી હોય છે. થોડા દિવસો પહેલાં વાંકાનેરમાં રેતી માફિયાઓ સામે કાર્યવાહી કર્યા બાદ આજે સવારે પોઇચા કનોડા ખાતે ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ જિલ્લાની ખાણખનિજ વિભાગની સંયુક્ત ટીમોએ દરોડો પાડતાં રેતી માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.
મહી નદીમાંથી બિનઅધિકૃત ખનન કરતા ત્રણ એસ્કેવેટર મશીનો તેમજ ગ્રેવલ ભરેલું એક ડમ્પર કબજે કર્યું હતું. કુલ એક કરોડનો મુદ્દામાલ કબજે કરી હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કિરીટસિંહ જીતસિંહ વાઘેલાના બે એસ્કેવેટર તેમજ મહેન્દ્રસિંહ વાઘેલાનું એક એસ્કેવેટર મશીન હતું. પ્રાથમિક તબક્કે ત્રણે પાસે કોઇ લીઝ ના હોવા છતાં નદીમાં મશીન ઉતારી બિન્ધાસ્ત રેતીનું ખનન કરાતું હોવાનું બહાર આવ્યું છે.